પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૧

કસૂંબાનો કેફ


'છેતરપીંડી કેમ ?'

'રાતે રામાયણ સાંભળવા ને મને રોજે રોજની વાતો કહેવા બેસતા હતા એ પણ હવે છોડી દીધું. ને પૂછું છું ત્યારે કહો છો કે દેવી તમને કષ્ઠ નથી દેવા માગતો. ભલે મને છોડી દીધી, પણ હવે શું ગંગોદકને ય છોડવું છે ? ગંગાજળિયાની છાપ મળી ગઇ એટલું જ બસ છે શું રા'? એ ગંગાજળનાં પાણીને હું રોતી નથી. પણ એ પાણીને ટીપે ટીપે તમારી રોમરાઇની પવિત્રતાની ને સંસ્કારની ખુમારી રહેતી, તે ગઇ છે એટલે રોઊં છું. ગંગાજળને તમે અફીણની પ્યાલીમાં રેડી દીધું છે.'

'કોના ઘોડાની હણહણાટી થઇ?' રા' સ્હેજ સ્ફૂર્તિમાં આવ્યા. 'નાગાજણ ગઢવી આવી પહોંચ્યા ને ?'

'નથી શોભતું રા' ! આમ ભાન ભૂલવું નથી શોભતું.'

આળસ મરડી રહેલા રા'ને શરીરમાં તોડ થતી હતી. સૂઇ જવું હતું. કુંતાદેનું રોકાવું એને કડવું ઝેર લાગતું હતું.

'હવે મૂંઝાવા જેવું નથી હો દેવી !' રા'એ આગલી રાતે ગૂજરાતમાંથી આવેલા સમાચાર કહ્યા : 'ગૂજરાતના તખ્તા પર તો એક તેર વરસના તિતાલી ભિખારી છોકરાને બેસારી દીધો છે. અને ત્યાં તો પાછા ફરીવાર બખેડા ઉપડ્યા છે. એઇ ને આપણે તો લેર છે.'

'રાતે નશામાં બોલતા હશો તે ઠીક છે, પણ અત્યારેય ગાંડપણમાં બોલો છો ? શું હું તમને ગૂજરાતના સુલતાનથી ડરાવી રહી છું ?'

'ના, આ તો તમને તમારા દૂધ ચોખાની ચિંતા હોય તો...'

'ઘણું થયું ગંગાજળિયા ! ગૂજરાતનો સુલતાન આંહી ઊતરશે તે દિ' હું દૂધ ચોખા સાચવવા નહિ બેસું રા' ! તે દિ'તો મારા કોડ