પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રેવીસમું

૧૬૬

ગતી મશાલ બન્યો હતો. અગ્નિ-ઝાળ નરસૈયાની કોણી સુધી પહોંચી ગઇ હતી.

એવામાં વીશળ કામદારે રા' પાસે આવી એક વધુ ચમત્કારી વાત કરી હતી કે કોઇક પરદેશી જાત્રાળુઓ દ્વારકા જતા હતા. તેમની પાસે રોકડ ખરચી હતી. પાણ વાધેરો લૂંટશે એવી બ્‍હીકે આ શહેરમાં હુંડી ખરીદવા નક્કી કર્યું. હુંડીનો ખરીદદાર કોઇ ન જડ્યો. કોઇક ટીખળીએ આ પરદેશીઓને વિભ્રમમાં નાખ્યા કે નરસૈ મહેતા અમારા શહેરના માતબર શરાફ છે. એ તમને હુંડી લખી આપશે.

નરસૈયાને ઘેર તે દિવસે પચાસ સો સંતો અભ્યાગતોનું કટક પડ્યું હતું. ઘરમાં તેમને ખવરાવવાના તાકડા નહોતા. ઠીક થયું, ટાણાસર નાણાં પહોંચાડ્યાં મારા વાલાજીએ ! એમ કહીને નરસૈ મહેતાએ નાણાં સ્વીકારી લઇ એક કાગળના કટકા ઉપર હુંડી લખી દીધી કે 'શેઠ શ્રી શામળાજી ! રૂપિયા આટલા પૂરા ગણી દેજો.'

એ જ યાત્રાળુઓ દ્વારકાથી આંહી પાછા ફર્યા છે. એમણે નરસૈ મહેતાને વાત કરી છે : અજબ વાત છે. યાત્રાળુઓ કહે છે કે શેઠજી, આખી દુવારકાપુરીમાં આ હુંડીનો ધણી શામળીઓજી નામે કોઇ વેપારી છે જ નહિ ને કોઇકે તમને ફસાવ્યા છે એમ અમને એકેએક દુકાનેથી જવાબ જડ્યો. અંતે અમે થાકીને દ્વારકા બહાર નીકળ્યા ત્યારે દરવાજામાં એક પુરુષ સામે મળ્યો. એણે કહ્યું કે ભાઇ, હું જ એ શામળો શેઠ. હું ગામતરે ગયો હતો. લાવો હુંડી સીકારી આપું. એમ કહી રૂપિયા ગણી આપ્યા.

વાત સાંભળી નરસૈયો તો ખડખડ હસવા લાયો છે. એ તો કહે છે કે ભાઇ, મને તો હુંડીની વાત જ યાદ નથી. મારે તો કોઇ શરાફી વેપાર પણ નથી. એ તો મારો વાલોજી મળ્યા હશે.