પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૯

મું સાંભરીશ માંડળિક

'હાંઉં ! હાંઉં ગંગાજળિયા !' નાગબાઇએ આંખો ઉંચક્યા વગર હાથ ઊંચો કર્યો; 'ઘણી બધી થઇ; ગંગાજળિયા ! વીર ! આ વાતું ન ઘટે-'

ગંગાજળિયા ગઢેચા
વાતું ન ઘટે વીર !
હીણી નજરૂં હમીર
નોય માવતરૂંની માંડળિક !

માવતર ! માવતર ! પાછો જા. અને ગંગાજળિયા, આ તો નેવાનાં નીર મોભે ચડ્યાં !-

ગંગાજળિયા ગઢેચા
વાતું ન ઘટે વીર !
નેવાં માંયલાં નીર
મોભે ન ચડે માંડળિક !

'ચૂપ થાવ ડોશી ! મને ઓળખો છો ? હું માંડળિક : હું મોણીયાનો ટીંબો ખોદી નાખીશ.'

'ઓળખ્યો'તો બાપ !' હજુયે નાગબાઇએ ધરતી પરથી નજર નહોતી ઉપાડી. ફક્ત એનો હાથ જ બોલતો હતો-'તુંને તો મારા વીર ! મેં રૂડી રીતનો ઓળખ્યો'તો. તારૂં પંડ પવિતર હૂતું. અરે તારે સ્પર્શે તો રગતકોઢ જાતા'તા-કેવો નીતિમાન તું ?--'

ગંગાજળિયા ગઢેચા
(તારૂં) હૂતું પંડ પવિત્ર
વીજાનાં રગત ગયાં
મુણે વાળા માંડળિક !

'વીજા વાજા સરીખા પાપીનાં તે રક્તપીત કાઢ્યાં હતાં, એને ઠેકાણે આજે તારી હવા અડ્યે મને જાણે કે વાળા ખીલીઓ નીકળી રહેલ છે. મારે રોમ રોમ શૂળા પરોવાય છે. તું કોણ હતો ? ને કોણ બન્યો ?'