પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૫

'હું ક્ષુદ્ર છું'

એને વટેમાર્ગુ રાજપુરુષ જાણી મધમાં પાણી મેળવીને શરબત પાવા લાગ્યાં. 'પીઓ પીઓ, અમારો મુખી પરણ્યો છે, પીઓ.'

'કોને પરણ્યો ?'

'ભીલ વળી કોને પરણે ? ભીલડીને જ તો !' એક છોકરીએ મરડાઇને કહ્યું :'ઘણોય અમારો આગેવાન રા'નો સાળો થાવા ગ્યો'તો, તે ભૂંઠો પડીને પાછો ભાગી આવ્યો. ભીલ તો ભીલને જ પરણે. ભીલ શા સાટુ રાજકુંવરીને પરણે ? કેદી થવા સાટુ ? બાયડી ને ભાયડા વચ્ચે વ્હેમ ને વેરના ઝાટકા ઊડાડવા સારૂ ?'

'બોલકી થા મા બોલકી.' મધના પાણીના ઘડા લઇ ઊભેલા એ છોકરીના વડીલોએ એને ટપારી.

'ખોટું કહું છું ?' છોકરી જુવન હતી એટલે તોરમાં ને તોરમાં બોલી ગઇ : 'આપણા મુખીનાં બોન મુખીને નોતાં કે'તાં? કે ભીલડીને પરણજે, રાજકુંવરી સામેથી વરમાળા રોપવા આવે તોય ના કહેજે.'

ઘોડેસવારો આગળ નીકળી ગયા. ને પાછળ ભીલડાં અવાજ મોકળા મૂકીને વાતો યે ચડ્યાં. એ વાતો ઠંડી વનરાઇમાં દૂર દૂર સુધી પથરાતી હતી.

'રાણીબોન હવે જૂનેગઢ જવાનાં નથી.'

'કેમ ?'

'એનો ધણી છે ને રા', એમાંથી ધરમ જાતો રીયો છે. રાણીબોનને માથે વે'માય છે.'

'આપણે તો વેમાઇં કે તરત કડકડતા તેલની કડામાં હાથ બોળાવે. બોળાવે ને રાણીબોનને !'