પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રીસમું

૨૩૨

'તો પેલો રા' જ બોળે ને !'

'એથી તો ન પોસાય તો નોખાં જ નો પડી જાય ? આપણે કેમ નોખાં પડીને પોતપોતાનો મારગ લઇ લઇયીં છીં.'

'રાજવળામાં એમ ન થાય. ઇ તો માંહી ને માંહી થાળીમાં ઝેર ખવરાવીને મારે કાં ભોંમાં ભંડારી દ્યે.'

માંડળિકના કાન આ વાતોને ઝીલતા ગયા. આજે ન ઓળખાય તેવો ઊતરી ગયેલો રા' છેક ભીલકુમારના રહેઠાણ પર પહોંચી ગયો.

ભીલકુમારે બહાર નીકળીને રા'ને વંદન કર્યું.

'ક્યાં છે કુંતાદે ?' રા'એ પૂછ્યું.

'જૂનાગઢ ચાલ્યા ગયા છે. હું પણ આવવાનો જ હતો.'

'ચાલો.'

'ના, હવે તો જે વાત કહી દેવા ત્યાં આવવાનો હતો તે આંહીં જ કહી દઉં, રા' માંડળિક, કે હું શુદ્ર છું. હું ક્ષત્રિય નથી, રાજપૂત નથી, હું શુદ્ર છું, ભીલ છું.'

બોલતી વખતે ભીલ જુવાનનાં નેત્રોમાં રાતા હીરના દોરીયા ફૂટતા હતા.

'હું રાજનો બાળ નથી. મારો બાપ હમીરજી જ્યારે મોતને પંથે હતો ત્યારે એ રાજકુમાર મટી ગયો હતો, ક્ષત્રિય મટી ગયો હતો, આંહીં આવીને શુદ્ર બની રહ્યો હતો. હું પણ શુદ્ર છું. ને દેવ દોંણેશ્વર પાસે મેં માગી લીધું છે, કે મારી ઓલાદ જંગલોમાં મધ પાડી પેટ ભરજો, પહાડોમાંથી લાકડા વાઢજો, ને ધરતી પેટ ન પૂરે ત્યારે દરિયાને શરણે જઈ માછલાં ઉપર જીવજો ! પણ વેળાસર વિસરી જજો કે એના કોઇ વડવાનું કુળ રાજવળું હતું.'