પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૭

'હું ક્ષુદ્ર છું'

'કેમ ?'

'મેં ધરાઇ ધરાઇને રાજવળાનું સગપણ માણ્યું છે. ગંગાજળિયા રા', રાજવળામાં થાળીમાં જ ઝેર અપાય છે એમ નથી; હેતપ્રીતની લાગણીમાં ય હળાહળ પે'રાવાય છે.'

'ઠીક, મારો મુલ્ક એક મહિનામાં છોડી જાજો હવે.'

'તમે ઊભા રહો મહારાજ.' એમ કહી એણે પોતાના ઝૂંપડાના ચોગાનમાં ઝાડને થડે કે મોટો ઢોલ બાંધેલો તે પર ડાંડી પીટી. ને રા'ને કહ્યું : 'બ્હીક રાખજો મા હો રાજા ! તમે શુદ્રને ઘેર પરોણા છો. માટે સલામત છો.'

એમ વાત કહે ત્યાં તો જાણે ગીરમાં ઉપરાઉપરી સેંકડો ઢોલ વગડ્યા. ઢોલના ઢબૂકાર આઘે આઘે ચાલ્યા ગયા ને ભીલ વસ્તીની કતાર પર કતાર ઊભરાઇ. સૌને એણે સંભળાવ્યું :

'ગીર ખાલી કરો. કશું લેવા ન રોકાજો. દીવ કોડીનાર તરફ .'

એટલા શબ્દો સાથે તો કતાર પછી કતાર એમ ને એમ ગીરની બહાર ચાલતી થઇ. તેઓ નાગાપુગા નીકળ્યા. પુરુષો સ્ત્રીઓને ખબર દેવા ન રોકાયા. સ્ત્રીઓ પોતાનાં બાળકો આડાં અવળાં ગયાં હતાં તેની શોધ કરવા ન થંભી. સૌ જે હાથમાં આવ્યું તે લેતા લેતા નીકળ્યા, તેમણે લીધાં હતાં ફક્ત તીર ને કામઠાં : તેમની નજર, પાછળ સૂનાં પડતાં ઘરની સામે પણ ઠરતી નહોતી. તેઓ ફક્ત સન્મુખ જોતાં જ શીખ્યા હતા.

ભીલ કુમાર ચુપચાપ ઊભો હતો. ઊભાં ઊભાં એના હાથ સૌને દિશા દેખાડતા હતા. આગળ ગયેલાં માબાપોના પાછળ રહેનારાં બાળકોને પણ પાછળ આવનારા ઊપાડતા જતા હતા.