પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯

માંડાળિકનું મનોરાજ્ય


"ત્રૂટક ત્રૂટક, ચોરીછૂપીથી, કોઇ કોઇ વાર. કારણ કે કાકાબાપુ હાથીલામાં કોઇને એ કથા કહેવા દેતા નથી."

"ન જ દિયે તો. હમીરજીની પરાક્રમ-કથામાં દુદાજીની તો હીણપત ભરી છે ખરી ને? એના પગની કેડી તો સાવઝ-કેડી છે, કુંતા ! એ મારગ સોરઠ ખાતે સદાને માથે ઉજ્જડ પડ્યો છે. અમે કોઇ એ પંથે પગલું દેનારા રહ્યા નથી. અમારું દૈવત આથમી ગયું."

જમી કરીને રા'એ પોતાનો નાનકડો સતાર લીધો. "બેસ દેવડી ! હમીરજીને બિરદાવીને પછી જ સૂવું છે આજ તો."

એક પગ ઉપર બીજો ટેકવીને રા'એ સતાર પોતાના ખોળામાં ગોઠવ્યો. કુંતાદી રા'ની એક આંગળીમાં નખલી પહેરાવી.

ઉપરકોટની એ જ એ ગોખ-બારી, જ્યાં બેસીને એક રાતે માંડાળિકના વડવા રા' કવાટે બીન બજાવ્યું હતું; હરણાંનાં વૃદેવૃંદ એના બીનને સૂરે ખેંચાઇ આવીને ગોખ ઉપર કૂદાકૂદ કરતાં હતાં; ને રા'ની હત્યા કરવા એ મહેલમાં છુપાએલા મારાઓએ પ્રકટ થઇને તલવારો કવાટના ચરણોમાં નાખી દીધી હતી, એ જ આ બારીમાં વર્ષો વીત્યે ફરી સતારના ઝંકારો બોલી ઊઠ્યા. ઝંકારે ઝંકારે માંડળીકના ગાલ ઉપર ટશરો ફૂરી. ઝંકારે ઝંકારે ગોહિલોની કુમારી કુંતાદેના હૈયાએ રસિયા, વીર અને ભક્ત હ્રદય રા'નાં છાનાં વારણાં લીધાં. ચણીઆનો ઘેર એના સોટા સમા દેહની આસપાસ પથરાઈ પડ્યો હતો. ચૂંદડીની કસૂંબી એના દેહ ફરતી ફુલવેડી સમી વીંટળાઇ વળી હતી.

સતાર કોઇ કોઇ બજવૈયાના હાથમાં જીવતું જાગતું માનવી બની જાય છે. હાજરાહજુર હોંકારા દેતો સતાર રા'નાં ટેરવાંને રડું રડું કરાવી રહ્યો. ને રા'ના કંઠમાંથી શબ્દો રેલ્યા-