પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩

ગંગાજળિયો


ઉપાડનારા ભોઇઓ ઘોડાવેગે ડાંફો ભરતા જાય છે. કોઇ કશું સાંભળવા થોભતા નથી. વસ્તીની નજરે થવાનું રક્તપીતીઆનું મન નથી. એની સૂરતા તો એક માત્ર હિમાલય ઉપર જ ચોંટી છે. જિંદગીને ને જોબનને એણે પાછળ મૂકી દીધાં છે. એની દૃષ્ટિ મંગળ મોતની જ પધોરમાં છે.

'ઊભા રો' ! ઊભા રો' ! ઊભા રો.'

'કોણ આવે છે? કોને સાદ કરે છે?'

'રેવત આવે છે વ્હાણના વેગે. પણ માથે અસવાર બેઠો છે. ઉઘાડે ડીલે, કોઈક બાવો કે બામણ દક્ષિણા વગરનો રહી ગયો લાગે છે.'

'ઊભા રો' ! ઊભા રો' ! ઊભા રો.'

'ભાઈઓ,' વીજલ વાજો ભયભીત કંઠે કહે છે : ' આ હાક કોઈ બાવા બામણની નોય. આ તો ઓળખીતી ને જાણીતી હાક લાગે છે. આ હાક મારા રા'ની તો ન હોય?'

ખભે ઢળકતા શિર-કેશ દેખાયા. આરસામાં કંડારી હોય તેવી કાયા વરતાણી. અજાનબાહુ જોદ્ધો જણાયો.

'અરે ગઝબ કર્યો ભાઈઓ રે ભાઈઓ, માંડળિક પોતે આવે છે. બાતમી મળી ગઇ લાગે છે. પગ ઉપાડો, મને કાળમુખાને ક્યાંઈક સંઘરી વાળો. માંડળિક ગંગાજળિયો હમણે નંદવાઇ જાશે. મારી એકાદી માખી ય જો એના ફૂલદેહને માથે બેસશે તો મારાં આજસુધીનાં પાતકમાં ઊણપ શી રહેશે ? મને હેમાળોય નહિ સંઘરે ભાઈઓ!'

આખરે માંડળિક આંબી ગયો. ઘોડો આડો ફેરવીને રસાલો ઊભો રખાવ્યો. વીજલ વાજાએ મ્યાનમાંથી ઊતરી ન્હાસવા માંડ્યું. માંડ-