પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૭

ઓળખીને કાઢ્યો


ચાલતાં ચાલતાં દીકરાએ વાત શરૂ કરી : ' આપણી ઓળખાણ કોઇના માન્યામાં નહિ આવે તો?'

'ધીરો બોલ. ટાઢો પહોર છે. ગાઉ ગાઉ માથે બોલ સંભળાય. ન ઓળખે એમ હોય? તારો ચહેરો મોરો ને તારી બોલાશ - એ તો અદલ એનાં જ જોઇ લ્યો. હું થોડું વિસરી શકી છું ? હું એક જ દિ એ એક રાતની જ ઓળખાણવાળી, તો ય તુંને બોલતો સાંભળું છું ત્યારે ભૂલ ખાઇ જાઉં છું. જાણે એ પોતે જ પાછા પધાર્યા. એ જાણે સોમૈયાજીએ જ એને સજીવન કરી ઘેરે મોકલ્યા. તો પછી એની સાથે એક જ માના ઓદરમાં આળોટનાર એના સગા મોટા ભાઇ કાં નહિ ઓળખી શકે? અને નાનેથી મોટા કરનારી ભોજાઇ નહિ ઓળખે શું?'

'હેં મા, સાચું જ કહોછો? હું અદલો અદ્દલ મારા બાપુ જેવો જ છું?'

વાને તું અમારા બેયના ઉપર થોડો થોડો ઊતર્યો છો. એ ઊજળા હતા, ને હું કાળી ભીલડી: તું નીવડ્યો શામળીયો. બાકી તો નાકની ચાંચમાં ય ફેર ન મળે.'

જુવાને પોતાના મોં ઉપર, ગરદન પરને છાતી ઉપર પંજો ફેરવીને તારાને અજવાળે પોતાની ભુજાઓ તપાસી લીધી. પોત જાણે પોતાની જ પિછાન લેતો હતો.

'તું જેવી જ મલપતી ને ધીમી ચાલ હતી એની. તું જેમ હાથ હીલોળતો હાલે છે, તેમ જ એ હીલોળતા. મને તલે તલ યાદ છે. એક જ દિ'નો સંસાર, તો ય જલમો જલમ ન ભૂલી શકાય.'

'આટલાં વરસ તમે કેમ હાથીલે ગયાં નહિ મા!'