પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સાતમું

૪૮


'મારે જઇને શું કરવું'તું? મારે થોડું રજવાળું માણવું'તું? મને તો એણે વચને બાંધી'તી કે સોમૈયાજી જો દિકરો દિયે સમ હાથે, તો ઉઝેરજે. દોંણેશ્વર દાદાની સાખે ને સન્મુખ તને ગરની વનરાઇને ખોળે મોટો કર્યો મેં, એ તો એના વચનને કારણે.'

'તો મારે ય ક્યાં રાજવળું ભોગવવાની ભૂખ છે મા? ત્યાં હું તીરકામઠે કોની હારે રમીશ? સાવઝડા ત્યાં હશે હેં મા? આ તો બધી નાગી ભોમકા છે. લીલૂડી વનરાઇનું ઓઢણું ઓઢનારી ગર મેલીને આંહી રહેવું મને કેમ ગમશે?'

'તારા મોટાબાપુ ને તારી કાકી તને ભાળીને રાજી થાશે. તું રાજનું બીજ છો. બીજું તો ઠીક, પણ બેટા, ગરમાં સૌ મેણાં મારે છે. તને બાપ વગરનો કહે છે ને મને રખાત કહી વગોવે છે.'

રાતનાં કાજળ અનરાધર વરસી રહ્યાં હતાં. ફાગણ મહિનાની રાત, એટલે હરણ્યું (મૃગશિર્ષ) મધ આકાશમાં દોડી જતી હતી. રૂદ્રનો પારાધીતારો લીલાં તેજ પાથરતો હતો. એ અજવાળામાં દીકરો માની ગજાદાર આકૃતિ જોતો જતો હતો.

ગામ આવી પહોંચ્યું. મસાણનો કાંઠો આવ્યો. એકાદ ચિતાનાં છેલ્લા લકડાં અગનની જીભ લસલસાવતાં હતાં. મસાણનાં કૂતરાંએ આ બે માણસોને અસુરા ટાણે દેખીને રિડીયા મચાવ્યા. એ રીડિયાએ ગામપાદરનાં કૂતરાંએ સાવધાન કર્યાં. અને એના કારમા સાદ ગામની અંદરનાં કૂતરાંએ ઝીલ્યા.

ગામ ફરતો કોટ હતો. કોટનો દરવાજો બીડાઈ ગયો હતો. દરવાજા ઉપર ઊભા રહીને જુવાને અંધારામાં પણ પોતાને ખભેથી કામઠું ઉતારીને ભાથામાંથી તીર ખેંચી ખેંચી ડાઉ ડાઉ કરતાં કૂતરાંને આંટ્યા, માર્યાં ને ભગાડ્યાં.