પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૯

તીર્થના બ્રાહ્મણો


કસૂંબો તો બસ ચારણના હાથનો જ ખપે ! સાંજે પાછા ફકીરો દરવેશોનો ય સંગ કરે. ઓછામાં પૂરૂં ઓલ્યો વરણાગીયો નાગર નરસૈયો હાલી મળ્યો છે, શંકરભક્તિનું જડાબીડ કાઢી નાખીને કાન ગોપીની ભક્તિ ફેલાવી રહ્યો છે, એનાં ય નાચણકૂદનીયાં ગીતો સાંભળે.'

'નરસૈયાની ભક્તિમાં તો ભળવા જેવું ય ખરૂં હો ભાઇ ! લીસોલપટ ને સુંવાળો મારગ એણે તો બતાવી દીધો છે.'

'એને મામી રતનબાઇ છે જુવાન, રૂપે છે રૂડીએ, મામો છે મોટી ઉમરનો. રતનબાઇને લાગી ગઇ છે જુવાન ભાણેજની ભક્તિમાર્ગની રામતાળી. ભાણેજ ભજન કરે ને ગાતાં ગાતાં ગળું સૂકાય, તો પાણી પાવાનો અધિકાર એક એ રતન મામીનો. રા' હોય કે રંક હોય, ગમે તે હોય, કોને આ પંથની લીસી સુંવાળી કેડી ન ગમે?'

'પણ રા' હમણે હમણે આંહી ઓલ્યા દરવેશ સમસુદ્દીન બોખારીની પાસે કેમ બહુ આવ જા કરે છે?'

'ઓલી ભાટડી ત્યાં શમસુદ્દીન ફકીરની જગ્યામાં છે એમ પણ વાત હાલે છે.'

'ત્યાં ક્યાંથી?'

'આપણે એ રગતપીતણીને વેશાખને પૂનમે ઢરડીને ગામ બહાર ફગાવી આવ્યા ને, તે પછી કહે છે કે રાતોરાત શમસુદ્દીન આવીને ઉપાડી ગયો છે.'

'એ ભાઇઓ !' ઊંચી ભેખડ ઉપર ઊભેલા એક બ્રાહ્મણે હર્ષનો અવાજ કર્યો; 'આઘે આઘે કોઇક વેલડું હાલ્યું આવે છે. રાતોચોળ માફો કળાય છે.'