પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અગિયારમું
આઈ નાગબાઈ

રી એક વાર આપણે આ વાર્તાના કાળથી ત્રીશ ચાલીશ વર્ષ પહેલાંની વેળામાં ડોકીયું કરી આવીએ.

જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટ ખિલોરીનો ટીંબો કહે છે. પૂર્વે ત્યાં પાટખિલોરી નામે ગામ હતું. એ ગામમાં ભૂંથો રેઢ નામનો ચારણ ગામેતી હતો. રા' માંડળિકના બાપને કસૂંબો કરાવવા રોજ આ ચારણ ભૂંથો રેઢ જૂનાગઢ આવતો. રા'ની પ્રીતિ, અને તે ઉપરાંત માતાનો વરદાનધારી : એની ઘરમાં જ દેવીનું થાનક હતું. થાનકમાં એ ધૂપ દીવો લઇ એકલો જ બેસતો. વાતો ચાલતી હતી કે આપા ભૂંથાને માતાજી મોઢામોઢ હોંકારો આપે છે. ચારણ ને જોગમાયા પરસ્પર વાતો કરે છે. ભક્તરાજ ભૂંથા રેઢની તો માનતાઓ આવતી.

માણસોમાં જેમ જેમ આપો ભૂંથો ઓળખાતો ગયો , તેમ તેમ એનાં ધૂપ દીપ ને નૈવદ્ય વધ્યાં, માતા પ્રત્યેની ભક્તિ મજબૂત બની ગઇ. ઘરની સ્ત્રીને એનો મેળાપ દુર્લભ બન્યો. આજે આંહી તો કાલે ક્યાંક બીજે. દેવીનો વરદાનધારી વચનસિદ્ધ ગનાયો. એને બોલે અનેક દુઃખ ટળતાં ગયાં. એના જોયેલા દાણા સદાય સાચા પડ્યા.