પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અગિયારમું

૭૮


ઘોડવેલ નજીક આવી એટલે વટેમાર્ગુ બાઇએ તરીને મારગ દઈ દીધો. ભૂંથો રેઢ પાછળ પાછળ જોઈ રહ્યો, પણ બાઇના મોં ઉપર કશી લાચારી કે ઓશિયાળ ન નિહાળી. બાઇ જરાક સામું જોવે તોય એને પૂછી શકાય. પણ બાઇનું ધ્યાન તો ધરતી તરફ જ સ્થિર હતું.

ઘોડવેલ થોડે દૂર ગઇ તે પછી 'ભગત'ને વિચાર થયો : એ બાઇ તો લાજાળુ માણસ લાગે છે, કદાચ એ શરમની મારી ન કહી શકે. ને હું કોણ છું કોણ નહિ એટલું જાણ્યા વગર કોઈ જુવાન સ્ત્રી હિંમત પણ કેમ કરી શકે? પણ આપણી તો ફરજ છે ને, કે આપણે પૂછવા વાટ જોવી નહિ. આપણું કામ અબળાનું રક્ષણ કરવાનું જ છે. આપણે વળી અભિમાન કેવાનું? એમ વિચારીને એણે હાંકનારને હાકલ કરી : 'ઊભી તો રાખ.'

ઘોડવેલ ઊભી રહી.

'કેમ, હું આ બધું કહું છું તે તને બરાબર લાગે છે ને?'

'શું કહ્યું આપા?'

'આ બધું હું ક્યારનો કહી રહ્યો છું ને. તું તે શું બેરો છો?'

'આપા, મેં તો કાંઇ સાંભળ્યું નથી.'

'ગમાર નહિ તો.'

ખરી વાત એ હતી કે ભગતે પોતાના જ મનને મનાવવા માટે જે દલીલો કરી હતી તે પોતે જોરશોરથી કરી હતી. પોતાને ભ્રમણા થઇ હતી કે પોતે જગતને પૂછીને, જગતનો મત મેળવીને આ પગલું ભરી રહેલ છે. વિભ્રમની કાળ-ઘડી આવી પહોંચી હતી.

'જોને, કોક વાંસે સાદ કરી રહ્યું છે, સાંભળતો નથી?'