પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અગિયારમું

૮૨


'ના, ઊઠ, બા'રી નીકળ.'

'અટાણે ? કાળી રાતે ? ચારણ ! ભગત ! અટાણે હું ક્યાં જઇ ઊભી રહું? હું કેને જઇને કહી શકું કે મને ભગતે કાઢી મૂકી ! મારી જીભ કેમ ઉપડે!' એમ બોલતી ચારણી ભાંગી પડી. એનો કંઠ ભેદાઇ ગયો.

'ઊઠછ કે ઢસરડીને કાઢું?'

ચારણીએ આખરે પોતાના શરીરને, ધણીને હાથે, મૂવેલા કૂતરાની માફક ઢસરડાવા દીધું. અંધારે અંધારે એ બહાર નીકળી ગઇ.

ચાલી જતી ચારણ્યે પાદરની શૂરાપૂરાની દેરીને ઓટે એ અંધારામાં એક દાંત વગરની, પળીયલ વાળ વાળી બુઢ્ઢીને બેઠેલી દીઠી.

રોતી ચારણી એ બુઢ્ઢીને ફક્ત એટલું જ કહી શકી:

'માતાજી, મારા માથે આવી કરવી'તી ને?'

'બાપ, નાગબાઇ ! નાગબાઇ હરજોગની!' બુઢ્ઢીએ કહ્યું. 'માંડ્યા લેખ મિથ્યા કેમ થાય? મેં નથી કર્યું, એના અભિમાને કરાવ્યું છે. એનાં લેખાં એનાં પાપ લેશે. તું તારે આંહીથી સીધી હાલી જા. તારૂં ઠરવા ઠેકાણું મેણીયું ગામ આંહીથી છેટું નથી.'

'ત્યાં જઇને શું કરૂં?'

'આપો વેદો ચારણ છે. દુઃખી છે. એનું ખોરડું તુંથી પૂજાશે.'

'માતાજી ! હું ઊઠીને એક ભવમાં બે ભવ કરૂં?'

'કરવા જોશે દીકરી ! તારે માટે નહિ, કલુ કાળનાં નબળાં સબળાં સૌ નાનડિયાંને કેડી બતાવવા માટે. હલાબોળ કાળીંગો (કળજુગ) હાલ્યો આવે છે. માન સથુકો માનવીઓ જીવી શકે તેટલા