પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૭

સોમનાથના મંદિરમાં


ઘરનો વેલો હાલે છે. આગલા ઘરના દીકરા ખૂંટકરણ ન્યાત - પટેલ છે. દીકારોનો દીકરો ય જુવાન થયો છે.'

'નામ ?'

'નાગજણ. વાતું ભારી રૂડીયું કરે છે. અપ્સરાઉંની વાતું જમાવે છે ત્યારે તો બાપુ, આકાશમાં નજરોનજર અપ્સરાઉં ભાળીએ.'

'વળતાં મોણીયું જોતા જાશું.'

* * *

માંડળિકનો કાફલો જયારે દેવપટ્ટણને માર્ગે હતો, ત્યારે સોમનાથના મંદિરમાં એક રમખાણ મચ્યું હતું. રમખાણ મચવાનું કારણ નવીન જ હતું. એ પ્રભાતે એક ઓરત અને એક જુવાન ત્યાં આવીને દરવાજાની અંદર અને દરવાજાની બહાર ઘણા બધા ખોડેલા પથ્થરોમાં ઘૂમીઘૂમી બે પથ્થરોની ઓળખાણ મેળવવા મથતા હતા.

'આ બે ખાભીયું ક્યાં ગઈ !' ઓરત વિમાસતી હતી. પંદર વરસ ઉપર હું આંહી આવેલી ત્યારે તો બેય હતી. મેં સિંદોર પણ ચડાવેલો ને શ્રીફળ પણ વધેરેલું.'

એમ બોલતી બોલતી એ સ્ત્રી પ્રત્યેક પથ્થરને જાણે પૂછતી હતી કે તમે તો નહિ ના ? તમે અમારાં બે સગાંની ખાભીયું નહિ ? તમમાંથી કોઈક તો કહો.'

પણ એકેય પથ્થર એ અગાઉ દીઠેલ ખાંભીઓની આકૃતિ દાખવાતો નહોતો.

દરવાજામાંથી બ્રાહ્મણોની કતાર અંદર આવજા કરતી હતી. પહોળી રેશમ પટ્ટીના ધોતિયાં, બહુરંગી હીર-મુગટા, કોઈના હાથમાં સોના રૂપાના લોટા, કોઈની હથેળી ઉપર પુષ્પપાત્રો : કોઈ અરધા