પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બારમું

૮૮


માથે ઘારીવાળા, કોઈ આખે શિરે લાંબા ચોટલા ઝૂલાવતા, કોઈ સ્વચ્છ તોલે મૂંડાએલા, તો કોઈ બ્રહ્મરંધ્ર સુધી પોણા માથે ટાલ ચમકાવતા : કોઈ પાતળી કટિના, કોઈ ભરાવદાર, કોઈ મેદ-ભારે લચકી પડતા અદોદળા :-

અંદર ભાતભાતના ઘંટારવ થાય છે. તેને સાંભળી સાંભળી 'શંભો ! હર હર મહાદેવ ! જય સોમ !' એવા સિંહનાદ કરતા દોડ્યા જાય છે.

'મા, કોઈક ભળશે, ઊઠને.' એવું કહેતો પુત્ર ઊભો છે. ને પથ્થરો પાસે નીચે નમેલી માતા થોડીવાર આ મૃત્યુલોકથી જુદા જ કોઈ જગતના હોય તેવા ફુટડાં, રૂપાળાં, લાલમલાલ માનવીઓની કતારથી અંજાયા પછી હિમંત ધરીને કોક કોકને પૂછે છે 'હેં બાપા ! આમાં ઓલી બે ખાંભીયું....'

પણ એ ડોશી જેવી દેખાતી કાળવી કોઈ શૂદ્ર ઓરતના સવાલનો જવાબ વાળવા કોઈ કરતાં કોઈ ત્યાં થોભતું નથી.

ફૂલોના સૂંડલા મઘમઘી રહ્યા છે. ચંદન કાષ્ટોના ભારા ને ભારા અંદર જતા જતા મહેક મહેક કરે છે : ઘીના કૂડલા ને કૂડલા ફોરમો વેરતા અંદર દાખલ થાય છે. છોકરો એ સર્વ સુગંધો સામે મો ને નાકનાં ફોરણા ફુલાવી જાણે આ સર્વ ફૂલો, ફળો, ઘી અને ચંદનના લાકડાંને પણ એકસામટાં ખાઈ જાઉં એવી લોલૂપતા અનુભવતો ઊભો છે. ને મા હજુ ઊઠી ઊઠી હર એક જતા આવતાને પૂછે છે કે 'એ બાપ ! ઓલી બે ખાંભીયું આંહી હતી ને ?"

એના સવાલની મૂંગી હાંસી કરતી મ્યાનાઓ ને પાલખીઓની કતારો આવી. એમાં બિરાજ્યા હતા તીર્થના અધિપતિઓ, આચાર્યો, વેદપ્રવીણ પંડિતો ને ધૂર્જટીના દિગમ્બર અવધૂતો.