પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૯

સોમનાથના મંદિરમાં


મ્યાનાઓની મોખરે સોનારૂપાની છડી ધારણ કરનારાઓ નામ દઈ દઈને નેકી પોકારતા આવે છે, પાછળ ભેરી-ભૂંગળો વાગતી આવે છે, અને સર્વ સૂરોના વિરામના વચગાળામાં સંભળાય છે દરિયાના ઝાલર-ઝણકાર: સોમનાથના નવા મંદિરની પાછલી દીવાલે જગદંબાનું જાણે કે ઉદધિ-વલોણું ચાલી રહ્યું છે. સાગરની ગોળીમાં જોગમાયા પ્રકૃતિ છાશ ઘૂમાવી રહ્યા છે. માખણની કણીઓ શા પારંપર ફીણ દરિયાના વલોવાતાં પાણી ઉપર તરતાં થયાં છે. વિરાટનો રવાયો ફરે છે.

'ખાભીયું તો અંહીથી ખસી ગઇ લાગે છે બેટા !' માએ છોકરાને એ ખબર દેવામાં ખૂબ મહેનત અનુભવી.

છોકરો તો સોમનાથ મહાદેવના આગણમાં પથરાતા આ પુષ્પ, ફળ, ફૂલ ને મનુષ્યના અવર જવરમાં ડઘાઈ ગયો હતો. એણે ખાંભીઓના ખબરમાં બહુ જીવ પરોવ્યો નહિ. એણે આ પછી શાસ્ત્રધારી રાજપૂતોના જૂથ અંદર જતાં જોયા. પોતે આ જુથમાં પોતાનું સ્થાન સમજીને ભેળો ભળી ગયો. માં પણ પુત્રને સાચવવા પાછળ પાછળ ચાલી.

સમુદ્ર-સ્નાન કરી કરીને આવેલા એ ક્ષત્રિયો ઠેકઠેકાણે ઘસાઈ રહેલા ચંદનની છીપરો પાસે જતા હતા, ઘસેલા ચંદન લીપની સુવર્ણ કુંડીઓમાંથી આંગળીઓ બોળી બોળી એકબીજાના હાથમાંથી આરસીઓ ઝૂંટવતા લલાટ પર ત્રિપુંડ તાણતા હતા. ને ત્રિપુંડ તાણતે તાણતે વાળની લટો અને દાઢી મુછના મરોડો પણ સમારી લેતા.

આ જુવાનની આંખો વધુમાં વધુ આ ત્રિપુંડોના લલાટ-ચિહ્નો પર મોહી પડી. એના કપાળે કોઈક દિવસ સિંદૂર ભાળ્યું હશે. ત્રિપુંડને માટે એનું કપાળ તલપી ઊઠયું. માણસના લલાટને