પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ભૂલી ગયો છું. (જલપાત્રથી પાણી લઈ લીલાવતીના મોં પર છાંટે છે.) રાણી લીલાવતી, જાગ્રત થાઓ ! સાવધ થાઓ, લીલાવતી !
[લીલાવતી આંખો ઉઘાડી આસપાસ જુએ છે અને પછી બેઠી થાય છે.]
 
લીલાવતી : હું આ પલંગ પર ક્યાંથી ! આ પાણી શાનું ?
રાઈ : રાણી ! તમને મૂર્છા આવી હતી, તેમાંથી જગાડવા હું પ્રયત્ન કરતો હતો.
લીલાવતી : તમે કોણ છો ? મને યાદ આવ્યું. ( પલંગ પરથી ઊતરે છે.) મને ખરું કહો. આપ મશ્કરી તો નથી કરતા ?
રાઈ : ઈશ્વર સાક્ષી છે. હું કહું છું તે બધું ખરું છે. (ગજવામાંથી કાગળ કાઢીને) બધી હકીકત વિસ્તારથી મેં આ કાગળમાં લખી છે. બીજા ખંડમાં જઈ પરિજનોને સમીપ રાખી શાંત ચિત્તથી એ વાંચશો, અને એમાં ગણાવેલા મારા અપરાધ પર ક્ષમાવંત થશો. (લીલાવતીને કાગળ આપે છે.) જેવાં સકલ ગુર્જર પ્રજાનાં આપ માતા છો તેવાં મારાં પણ માતા છો.
[રાઈ જાય છે તે પછી લીલાવતી જાય છે.]
 


પ્રવેશ ૩ જો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાંનો બેઠક ખંડ.

[પાટ ઉપર સાદે વેશે બેઠેલી લીલાવતી અને તેની પાસે બેઠેલાં સાવિત્રી અને કમલા તથા પાટ નીચે ઊભેલી મંજરી પ્રવેશ કરે છે.]

લીલાવતી : મને તો આ બધું ગેબી ભેદ જેવું જણાય છે. આ કાગળથી ભેદ ઊઘડતો નથી, પણ ઊલટો ઢંકાય છે.
સાવિત્રી : દુનિયાના ભેદનું સ્વરૂપ જ એવું છે. એક પડદો ઉઘાડીએ ત્યાં બીજા સો પડદા આવીને વસાઈ જાય છે. જેટલું સમજાયું તેટલું આપણું અજ્ઞાન દૂર થયું, એમ ઘણીને સંતોષ માનવાનો છે.
અંક પાંચમો
૧૦૭