પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



લીલાવતી : એ સંતોષને હું શું કરું ? મને અંધકારમાં નાખીને ફરી વળેલું દુર્ભાગ્ય હવે પ્રગટ થઈ મેં સુખ માટે મારેલાં ફાંફાંની હાંસી કરે છે, અને દુઃખને વધારે તીવ્ર કરે છે.
[દાસી પ્રવેશ કરે છે.]
 
દાસી : (નમન કરીને) રાણી સાહેબ ! જાલકા માલણ આવી છે, અને કહે છે કે એના આવવાનું કારણ આપ જાણો છો.
સાવિત્રી : અત્યારે ક્યાં મળવાની અનુકૂળતા છે ?
લીલાવતી : ના એને આવવા દો. મારે એનું કામ છે.
[દાસી જાય છે. જાલકા ફૂલની છાબ લઈ પ્રવેશ કરે છે.]
 
જાલકા : (છાબ લીલાવતીના પગ આગળ મૂકીને ઓવારણાં લઈને)બગવાન રાજારાણીનું જોડું ખેમકુશળ રાખો.
લીલાવતી : રાજારાણીની તને એટલી બધી દાઝ ક્યાંથી ?
જાલકા : એક કેમ બા સાહેબ ? હું તો આપની માલણ છું ?
લીલાવતી : તું નક્કી માલણ છે?
જાલકા : આપ મને ભૂલી ગયાં છો?
લીલાવતી : તને ભૂલી ગઈ નથી, તને કદી ભૂલું તેમ નથી, પણ તું કેમ આવી છે તે તેં ન કહ્યું.
જાલકા : હું આપને કહી ગઈ હતી જ તો. આ ફૂલની ચાદર પલંગ પર બિછાવજો ને આ ફૂલથી મહારાજને વધાવજો, અને અખંડ સોભાગવંતા થજો.
લીલાવતી : મારું સૌભાગ્ય કેટલાં વર્ષ રહેશે એ તું કોઈ જોશીને પૂછી આવે છે ?
કમલા : ઘણી ખમા ! બા સાહેબ, આવું અશુભ કેમ બોલો છો ? જોશી આભના તારા જોઈ જોશ વર્તે છે એમ મેં મારી વાડીનાં ફૂલ જોઈ જોશ વર્ત્યું છે કે આપનું સોભાગ અખંડ છે.
લીલાવતી : બસ કર ! પ્રપંચી સ્ત્રી, બસ અક્ર ! તને જુઠૂં બોલાવતાં
અંક પાંચમો
૧૦૮