પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મને શરમ આવે છે. માલણનો વેશ લઈ મારા સ્વામીનો જીવ લીધો એથી તું ધરાઈ નથી કે મને દાઝ્યા પર ડામ દેવા આવી છે?
જાલકા : આ શું ?
લીલાવતી : શું કામ અજાણી થવાનો ઢોંગ અક્રે છે ? તારા દીકરાએ આ કાગળમાં બધી ખરી વાત અથથી ઇતિ સુધી લખી છે. તારા પતિનું રાજ્ય પાછું લેવાના લોભમાં તેં મારું શિયળ જાળવવાની પણ દરકાર ન રાખી, એવી તું ક્ષત્રિયાણી !
જાલકા : હકીકત જાહેર થઈ છે તો હવે કહું છું કે મારા પતિનો અધર્મથી વધ કરાવી તેનું રાજ દબાવી બેસનારની સ્ત્રી મારી તરફથી ન્યાય થવાનું શી રીતે માગી શકે?
લીલાવતી : ન્યાય કરવાનું તારું ગજું નથી અને હું તારી પાસે ન્યાય માગતી પણ નથી; પણ તને કોઈ રાણીની, કોઈ ક્ષત્રિયાણીની, કોઈ સ્ત્રીની આબરૂ પણ વહાલી નથી?
જાલકા : તમારી આબરૂને હાનિ થાય એવું મેં શું કર્યું ?
લીલાવતી : તારા જેવો તારો પુત્ર અધમ હોત તો મારું શું થાત?
સાવિત્રી : ઇશ્વરને પવિત્રતા પ્રિય છે.
જાલકા : ઈશ્વરની અને ન્યાયની વાતો કરો છો તો મારા પુત્રને તેના પિતાનું રાજ સોંપી દો.
લીલાવતી : રાજ ભીખ માગ્યે નથી મળતું અને ચોરી કર્યે એ નથી મળતું. રાજ તો ક્ષત્રિયોના બાહુબળથી સંપાદન થાય છે. તું ક્ષત્રિયાણી મટી માલણ થઈ છે તે ક્ષત્રિયના ધર્મ તને ક્યાંથી સાંભરે ?
સાવિત્રી : રાણી સાહેબ ! આમ આકળાં શા માટે થવું ?
જાલકા : વખત આવશે ત્યારે હું બતાવીશ કે મને ક્ષત્રિયાણી થતાં આવડે છે કે નહિ, પણ તમારે હવે ઉચાળા ભરવાના છે. તમારો રાજ પર કંઈ હક રહ્યો નથી. વાંઝિયાનાં રાજ બીજાને જાય છે.
અંક પાંચમો
૧૦૯