પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ઊંઘતા મૂકી છાનીમાની આ એકાન્ત સ્થળે આવી ઊભી છું ? એવું શું છે ? હ્રદય ! એનો ઉત્તર તો તું જ દઈ શકે. તું મને અહીં ખેંચી લાવ્યું છે.

તેં જે ક્ષણેથી દઈ ફેંકિ શાન્તિ,
ગ્રહી અજાણી નવિ કોઈ વૃત્તિ;
ત્યાંથી છુટ્યું તું મુજ તંત્રમાંથી,
ને હું બની છું તુજ તંત્રવશ્ય. ૭૫

(ઊંચે જોઈને) અહો ! આ ઝાડમાંથી કોણ ડોકિયું કરી રહ્યું છે? અરે ! એ તો ચન્દ્ર છે. ચન્દ્ર ! મારી આ વિવશતા જોવાનું તને કુતૂહલ થાય છે ! અને આ શું?

મને વિંટીને કિરણોનિ જાળે,
ધિમે ધિમે ભૂમિથિ તું ઉપાડે;
કરે શું એ કૌતુકતૃપ્તિ સારૂ,
નિહાળવા મન્થકષ્ટ મારું ? ૭૬

પણ કદાચ હું ખોટો આરોપ મૂકતી હઈશ. તું મારી મદદે આવીને આમ કરતો નહિ હોય?

જેહના દર્શનાર્થે હું ઔત્સુક્યે અધિરી ઉભી,
તેની પાસે મને લે શું અન્તરાયો થકી ઉંચે ? ૭૭

[પીપળાના ઝાડ ઉપરથી અવાજ સંભળાય છે.]
 

'સુન્દરી અન્તરાયોનું સામ્રાજ્ય હવે ઉતરી ગયું છે.'

વીણાવતી : (ચમકીને) અરે ! મારાં વચન કોણે સાંભળ્યાં ?

[ઝાડના થડને અડકીને ઊભી રહી ઊંચુ જુએ છે. જગદીપ ઝાડને થડેથી નીચે ઉતરે છે.]

જગદીપ : (ઊતરતાં ઊતરતાં) એ વચનામૃતોનો જે પિપાસુ હતો
અંક છઠ્ઠો
૧૨૭