પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જાલકા : ઉપમંત્રી દુર્ગેશને ન ઓળખનારું કનકપુરમાં કોણ હોય ?
દુર્ગેશ : પણ, કનકપુરમાં એવા ઘણા છે કે જેમને હું ઓળખતો નથી મારે તો તમે કોણ છો તે પૂછવું પડશે.
જાલકા : હું આ મંદિરની પૂજારણ છું.
દુર્ગેશ : એમ છે તો મારે તમારું જ કામ હતું.
જાલકા : આપને જ્યારે પૂજા કરાવવી હશે ત્યારે ગોઠવણ થઈ શકશે.
દુર્ગેશ : પૂજા માટે મારાથી જાતે આટલે આઘે આવીને ખોટી થવાય તેમ નથી. તમે અનુકૂળતાયે મારી તરફથી પૂજા કરજો અને તેનું જે ખરચ થાય તે મારી પાસેથી મંગાવી લેજો. હું આવ્યો છું તે બીજા કામ માટે.
જાલકા : હું પૂજારણ બીજું શું કરી શકું ?
દુર્ગેશ : પર્વતરાય મહારાજ આ મંદિરના ભોંયરામાં નિવાસ કરે છે. અને, તેમની અજ્ઞાઅનુસાર બહારની અહીંની વ્યવસ્થા તમારો હસ્તક છે. મહારાજનો ઉપચાર કરનાર વૈદ્યરાજ કદી બહાર આવતા હોય તો મારો એમની સાથે મેળાપ થઈ શકે ?
જાલકા : પ્રધાનજી સિવાય કોઈને એ ભોંયરાની જગા પણ બતાવવી નહિ, એવી આજ્ઞા છે. ભગવન્ત પણ એક જ વાર અહીં આવી ભોંયરું બહારથી જોઇ ચાલ્યા ગયા છે.
દુર્ગેશ : મહારાજની આજ્ઞા વિરુદ્ધ હુ ભોંયરા વિશે કે મહારાજ વિશે કુતૂહલ ધરાવતો નથી. માત્ર વૈદ્યરાજનું કદી દર્શન તઈ શકે કે કેમ એ જાણવા ઉત્સુક છું.
જાલકા : એટલું પણ મારાથી કહેવાય કે કેમ તે તમે મને ખબર નથી. હું તો આ મંદિરમાં પૂજા કરી જાણું છું.
દુર્ગેશ : વૈદ્યરાજના આવ્યા ગયાની હકીકત કહેવામાં મહારાજના ઉપચાર વિધિની ગુપ્તતાનો કોઈ રીતે ભંગ થતો નથી.
અંક બીજો
૪૫