પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
રાજમાતા જીજાબાઈ


 ત્રાસ અને વિપત્તિઓ ભાગવવી પડે છે અને જીવનરક્ષણ કરવામાં કેટલી અડચણો વેઠવી પડે છે, તેનો પ્રત્યક્ષ અનુભવ શિવાજી મહારાજને બાળપણથીજ સારી પેઠે સમજાયો હતો. શિવાજી મહારાજ જેવા પરમ માતૃભક્ત અને અત્યંત બુદ્ધિમાન પુરુષને પણ સદ્‌ભાગ્યે જીજાબાઈ જેવાં પરમ સાત્ત્વિક, ભાવિક, સ્વાભિમાની અને સ્વોત્કર્ષપ્રિય માતા પ્રાપ્ત થવાથીજ તેમના બોધની અસર પુત્ર શિવાજીના મન ઉપર ઉત્કૃષ્ટ રીતે થઈ અને તેમને હાથે જગતને ચકિત કરી નાખે એવાં અને હિંદુ પ્રજાને મુસલમાનના ત્રાસમાંથી મુક્ત કરાવે એવાં પરાક્રમો થયાં.”[૧]

એ અરસામાં એટલે ઈ. સ. ૧૯૩૭માં આદિલશાહી રાજ્યમાં આશ્રય મળવાથી શાહજીએ જીજાબાઈને પુત્ર સહિત પોતાની પાસે લાવી મંગાવ્યાં, પરંતુ પતિપત્ની ઝાઝો વખત સાથે રહેવા પામ્યાં નહિ. શાહજીને પણ દુલ્લાખાન સાથે કર્ણાટક જવું પડ્યું એટલે તેમણે બિજાપુર સરકાર પાસેથી મળેલી જાગીરની વ્યવસ્થા દાદાજી કોંડદેવ નામના એક વિશ્વાસુ નોકરને સોંપી. જીજાબાઈ અને પુત્ર શિવાજીને પણ તેનાજ રક્ષણમાં સોપ્યાં. દાદાજી કોંડદેવે બન્નેને પૂનામાં લાવી રાખ્યાં.

જીજાબાઇએ શિવાજી મહારાજને જે પ્રકારનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું તે દાદાજીએ લક્ષપૂર્વક આગળ ચાલુ રાખ્યું, બલકે એમાં પોતાના અનુભવ પ્રમાણે વધારો કર્યો. અક્ષરજ્ઞાન તો માતા પાસેથી જ એમને મળ્યું હતું. પૂને ગયા પછી ઉર્દુ તથા ફારસી ભાષા પણ એમને ભણાવવામાં આવી. થોડુંક સંસ્કૃત પણ શીખ્યા. શિવાજી મહારાજે કેટલાંક પદ અને આરતી રચ્યાં છે, તેમાં ઉર્દૂ ભાષાના શબ્દ આવે છે. વાચક બહેનો ! તમારા કૉલેજમાં ભણેલા પતિ કે પુત્ર તમને કહે કે શિવાજી તો એક નિરક્ષર લૂંટારો હતો, તો તમે એમના કથનને કદી સત્ય ન માનશો. ગ્રાન્ટ ડફ આદિ ઇતિહાસકારોના મતને અનુસરી અંગ્રેજ લેખકો અને શિક્ષકોએજ મત દર્શાવતા રહ્યા છે. અંગ્રેજ લોકોના એ મતનું પુષ્કળ ખંડન થઈ ચૂક્યું છે. શિવાજીની સાક્ષરતા વિદ્વાનોએ સારી પેઠે સાબિત કરી આપી છે. શિવાજી મહારાજ લૂંટારા પણ નહોતા, પરંતુ ભારતમાં સ્વતંત્ર હિંદુ રાજ્ય સ્થાપવાનો ભગીરથ પ્રયત્ન કરનાર


  1. ❋ જુઓ શ્રી “શિવાજી છત્રપતિ” ચરિત્ર.