પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 વિચાર્યું. તેમણે એ પણ વિચાર્યું હતું કે, રાજારામને પોતાની દેખરેખ નીચે ઉછેરીને, તેને ઊંચા પ્રકારની રાજનીતિ શીખવીને પુખ્ત ઉમરે રાયગઢના સિંહાસન ઉપર બેસાડીશું.

પણ તેમણે એક ભૂલ કરી. સેનાપતિને એમણે પોતાની સંતલસમાં સામેલ કર્યો નહોતો, એટલે સંભાજી કઈ પણ પ્રપંચથી કારાગારમાંથી મુક્ત થઈને સૌથી પહેલો સેનાપતિને મળ્યો. સેનાપતિની સહાયતાથી રાયગઢ કિલ્લો સત્વર તેના તાબામાં આવ્યો અને તેની વિરુદ્ધપક્ષના મંત્રીઓમાંથી કોઈને મારી નાખવામાં આવ્યા, તો કોઈને કેદ કરવામાં આવ્યા.

સંભાજીની ઓરમાન માતા-રાજારામની જનની મંત્રીઓની સાથે ખટપટમાં સામેલ હતી. લખતાં ઘણી શરમ આવે છે કે, મહાપુરુષ ભુવનવિખ્યાત શિવાજી મહારાજના કુલાંગા૨ પુત્ર નિષ્ઠુ૨ સંભાજીએ શિવાજી મહારાજની એ રાણીને, પોતાની વીરમાતાને, કારાગારમાં પૂરી દઈને, અન્નપાણી વગર રિબાવીને મારી નાખી. બાળક રાજારામને પણ કેદ કરવામાં આવ્યો.

ભવિષ્યમાં જે સ્ત્રી રાજારામની સહધર્મિણી થઈ, તે આપણા આ ચરિત્રની નાયિકા તારાબાઈ.

સાહસ, વીરતા, રાજનીતિ અને પવિત્ર ચરિત્ર તથા માનસિક શક્તિમાં તારાબાઈના જેવી સ્ત્રીઓ એ સમયમાં મહારાષ્ટ્રમાં ઘણી થોડી હતી. યુદ્ધમાં તેમજ જીવનની બીજી અનેક આપત્તિમાં, પોતાના બળની રક્ષા કરીને રાજ્ય ચલાવવામાં ભારતવર્ષની સ્ત્રીઓ કેટલી પ્રવીણ હતી, તેનું તારાબાઈ એક ઉત્તમ ઉદાહરણ છે.

ઔરંગઝેબ તેનું વિશાળ સૈન્ય લઈને દક્ષિણ ભારતમાં આવ્યો હતો. એ વખતે સંભાજીના જુલમને લીધે મહારાષ્ટ્રની રાજ્યશૃંખલા ઢીલી પડી ગઈ હતી. રાજા સંભાજી પોતે ખરાબ ચાલનો હતો અને ખરાબ સોબતીઓને લઈને એ રાતદિવસ ભોગવિલાસમાં પડ્યો રહેતો હતો. ઓરંગઝેબની ચડાઈ વખતે પણ એ પોતાની મોજમજામાં એટલો બધો મશગૂલ હતો કે, પ્રધાનોની સલાહ અને ઉપદેશને તેણે જરા પણ ગણકાર્યા નહિ.

એ વખતે સંભાજી કરતાં બિજાપુર અને ગોવલકોંડાના રાજાઓ ઔરંગઝેબના વધારે પ્રબળ શત્રુઓ હતા. ઔરંગઝેબે