પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 પ્રતિભાશાળી પુરુષ મહારાષ્ટ્રમાં બીજો કોઈ થયો નથી. શિવાજીએ મરાઠાઓની શક્તિનો સંચય કરીને મરાઠા રાજ્યની સ્થાપના કરી, રાજારામે મોગલોની સાથે લડીને મરાઠા રાજ્યનું રક્ષણ કર્યું, પરંતુ આખા ભારતવર્ષમાં મરાઠા રાજ્યનો અધિકાર જમાવવાનો પ્રયત્ન બાજીરાવ પેશ્વાએજ કર્યો.

મોગલોની એ વખતે પડતી દશા આવતી જતી હતી. બાજીરાવ સમજ્યો હતો કે, હિંદુ રાજ્ય સ્થાપવાનો સારો લાગ હમણાંજ છે. ગુજરાત અને માળવાથી લઈને પૂર્વમાં લગભગ ઓડિસા સુધી મરાઠા રાજ્ય વિસ્તાર પામ્યું. દક્ષિણ ભારતમાં નિઝામનું રાજ્ય અને ઉત્તર હિંદુસ્તાનના ઘણા રાજાઓ મરાઠાઓને ખંડણી આપવા તૈયાર થયા. બાજીરાવ કેવળ ૪૨ વર્ષ સુધી જીવ્યો, પણ એટલા અલ્પ સમયમાં પ્રતિભાના બળે તેણે ભારતમાં ઘણી જગ્યાએ મરાઠાઓની સત્તા જમાવી.

બાજીરાવના મૃત્યુ પછી તેનો પુત્ર બાલાજી બાજીરાવ પેશ્વા થતો. શાહુ હવે વૃદ્ધ થયો હતો અને એને છોકરૂંછૈયું નહિ હોવાથી દત્તક પુત્ર લેવાની તેને જરૂર પડી હતી. પરંતુ રાજાનો દત્તક પુત્ર એના વંશનો હોવો જોઈએ. કોલ્હાપુરનો એ વખતનો રાજા શાહુનો ઘણો નજીકનો સગો હતો, એટલે શાહુની સ્ત્રી સાવિત્રીબાઈની ઈચ્છા એનેજ દત્તક પુત્ર બનાવવાની થઈ.

પરંતુ પેશ્વાની ઈચ્છા એથી વિરુદ્ધ હતી. રાજ્યમાં પેશ્વાનું આટલું બધું ચલણ થયું હતું, એ સાવિત્રીબાઈને પસંદ નહોતું. રાજા પેશ્વાને વશ ન થતાં, પેશ્વાને ઊલટા પોતાના કાબૂમાં રાખે તેને માટે એણે આખી જિંદગી સુધી પ્રયત્ન કર્યો હતો, પરંતુ શાહુની દુર્બળતાને લીધે એ બધી ચેષ્ટા નિષ્ફળ નીવડી હતી. પેશ્વાને પણ સાવિત્રીબાઈની વિરુદ્ધતાની ખબર હતી. એણે મનમાં વિચાર્યું કે જો સાવિત્રીબાઈની ઈચ્છા પ્રમાણે કોલ્હાપુરનો રાજા શાહુનો દત્તક પુત્ર અને ગાદીવારસ થશે, તો એ સાવિત્રીની મરજી મુજબ ચાલશે ને પોતાની મોટાઈ ચાલી જશે.

વૃદ્ધ તારાબાઈ આ વખતે જીવતી હતી. વૃદ્ધાવસ્થામાં પણ તેનામાં તેજસ્વિતા અને દૃઢતા પહેલાંની પેઠેજ પ્રબળ હતાં. સાવિત્રીબાઈની વિરુદ્ધતાની સામે થઈને પોતાનો અધિકાર સાચવી રાખવા માટે, આ વખતે ચાલાક બાલાજી બાજીરાવે તારાબાઈનું રક્ષણ લીધું.