પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
મરાઠા વીરાંગના તારાબાઈ



રાજારામ નામનો તારાબાઈને એક પૌત્ર હજુ જીવતો હતો. પેશ્વાએ ગુપ્ત રીતે એવી સૂચના કરી કે, શાહુએ એને પોતાના ગાદીવારસ તરીકે દત્તક લેવો, અને લખી આપવું કે, શાહુના મૃત્યુ પછી એ રાજા કહેવાશે અને રાજા તરીકેનું બધું માન એને મળશે; પણ રાજયનો કારભાર પેશ્વાના હાથમાં રહેશે.

પેશ્વાના હાથમાં પૂતળારૂપ બનેલા શાહુએ તરતજ આ સૂચના મંજૂર કરી. તારાબાઈએ જોયું કે પેશ્વાનું દમન કરીને શિવાજીના વંશજના હાથમાં રાજ્યને કારભાર આવવાનો આ સારો લાગ છે. એક વાર પોતાના હાથમાં ઉછરેલો અને પોતાની આજ્ઞામાં રહેલો પૌત્ર રાજારામ જો રાજ્યનો રાજા થાય, તો પછી પેશ્વાની મગદૂર નથી કે આખું મરાઠા રાજ્ય કાબૂમાં રાખી શકે. પેશ્વાને એમની પોતાનીજ રચેલી જાળમાં ફસાવવાના ઈરાદાથી તારાબાઈએ એ સૂચના માન્ય રાખી.

શાહુનું મૃત્યુ થયું. શાહુના વસિયતનામાની રૂએ તારાબાઈની દેખરેખ નીચે રાજારામ સતારાનો રાજા થયો. પેશ્વાએ સતારા છોડી દઈને પૂનામાં પોતાની શક્તિનું કેન્દ્ર સ્થાપ્યું. તે સમજી ગયો હતો કે, રાજ્યનું કેન્દ્ર સતારામાં હશે, તો તેજસ્વી તારાબાઇની ઊંડી રાજનીતિ અને કુશળતા આગળ પોતાનું કાંઈ ચાલશે નહિ.

થોડા સમય પછી પેશ્વા કોઈ યુદ્ધમાં ગયો. આવો લગ ફરીથી નહિ મળે, એમ વિચારીને તારાબાઇએ તરતજ વડોદરાના દામાજી ગાયકવાડને પોતાના પક્ષમાં લીધા.

આ પ્રમાણે એક બહાદુર સેનાપતિની મદદ મળી ચૂક્યા પછી એણે રાજારામને કહ્યું: “રાજારામ ! મહાપુરુષ શિવાજીના રાજ્ય ઉપર શિવાજીના વંશજનો કોઈ અધિકાર નથી. શાહુની દુર્બળતાને લીધે પેશ્વાજ આખા રાજ્યના કરતાકારવતા છે. શિવાજીના વંશજોનો અધિકાર લોપ કરીને પેશ્વાઓ રાજ્યને પચાવી ન પડે, તેટલા માટે મેં આખી જિંદગી સુધી પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમાં હું સફળ થઈ નથી. આજ ભવાનીદેવીની કૃપાથી આટલે વર્ષે લાગ આવ્યો છે ! પેશ્વા પોતાનું સૈન્ય લઈને બીજે કંઈ લડવા ગયો છે. મહાવીર દામાજી ગાયકવાડ તારી મદદે છે. આ લાગ ખોતો નહિ. શિવાજીના પ્રપૌત્ર, રાજારામના પૌત્રને છાજે એ પ્રમાણે રાજસત્તા તું તારા હાથમાં લે.