પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 નહોતી. એની આગળ તો શિવાજી તેના રાજ્ય ઉપર હુમલો કરનાર, તેની સ્વતંત્રતા છીનવી લેવાનો પ્રયત્ન કરનાર પ્રબળ શત્રુ હતા. શત્રુ પ્રબળ હતા, વિજયની આશા ઘણીજ થોડી હતી પણ સ્વતંત્રતા એ પણ એક અમૂલ્ય વસ્તુ છે. એ સ્વતંત્રતા માટે મરાઠા વીરાંગના પોતાનું સર્વસ્વ અર્પણ કરીને યુદ્ધ કરવા તૈયાર થઈ. ભયભીત થઈ ગયેલા પોતાના સૈન્યને ઉત્સાહિત કરીને તેણે કહ્યું: “સિપાઈઓ ! તમે મારા પુત્ર સમાન છો; પણ તમારી અને મારી સ્વતંત્રતા માટે આ ભીષણ સંગ્રામમાં તમારૂં બલિદાન આપવા હું તૈયાર થઈ છું. મનુષ્ય જન્મતી વખતે રડે છે. સંસારમાં અનેક પ્રકારનાં દુઃખો તેને રોવડાવે છે અને મૃત્યુ સમયે પણ તે રડતો રડતો મરે છે. આ જીવન એવું દુ:ખદાયી છે. એમાં કોઈ પણ સુખકારક વસ્તુ હોય, તો તે સ્વાધીનતાજ છે. તો તેને માટે તમારા તુચ્છ દેહનો ત્યાગ કરવા તમે તૈયાર નહિ થાઓ? આજ તમારી સ્વતંત્રતા છીનવી લેવા માટે પ્રબળ શત્રુ તમારે બારણે આવી ઊભો છે. તમે મનુષ્ય છો, મનુષ્યમાં પણ વીર ક્ષત્રિયો છો, અસાર જીવનના મોહમાં ફસાઈને તમે સ્વતંત્રતા ખોઈ બેસશો? બીજાઓને શરણે જશો ? દુઃખી જિંદગીને વધારે દુઃખી બનાવશો ? ભય પામતા નહિ અને લાંબો વિચાર કરશો નહિ. મૃત્યુ વહેલું મોડું જરૂર આવવાનું છે. સ્વતંત્રતાને માટે શત્રુઓને મારતાં મારતાં, જે કોઇ શત્રુને હાથે હણાય છે, તેનું મરણ સાર્થક થાય છે. એવી રીતે મરનાર આ દુનિયામાં અનંત કીર્તિ મેળવીને પરલોકમાં અક્ષય સ્વર્ગમાં વસે છે. હું તમારી માતાસ્વરૂપ છું, તમારી રાણી છું. તલવાર લઈને હું જાતે શત્રુઓની સાથે લડવા તમારી સાથે આવીશ. જો તમે માતૃભક્ત હો, રાજભક્ત હો, તો મારું માન રાખવા, દેશનું માન રાખવા, વીરતાથી મારી સાથે યુદ્ધ કરવા ચાલો અને નાના સરખા બલ્લારીના વીરત્વથી શિવાજીને સ્તંભિત કરો.”

રાણીનાં વીરતાભર્યા વચનોથી સૈનિકોમાં અત્યંત ઉત્સાહ વ્યાપી ગયો. રણમદથી ઉશ્કેરાઈને તેઓ રાણીની સરદારી હેઠળ મરણિયા થઈને યુદ્ધ કરવા તૈયાર થયા. રાણીએ તે લશ્કરની સરદારી લીધી અને શિવાજી સાથે લાગલગાટ સત્તાવીસ દિવસ સુધી યુદ્ધ કરી, શિવાજીના સૈન્યને હરાવી, પોતાના