પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 પ્રસંગે રધુનાથને મળવાનો તેને લાગ મળ્યો હતો. સરયૂને પ્રસન્ન જોઈને જનાર્દન પણ પ્રસન્ન થયો. એ સમજ્યો કે, હવાની ફેરબદલી થવાથી સરયૂની તબિયત સુધરી ગઈ છે.

અહીંયાં અમે સરયૂનો વૃત્તાંત થોડી વાર સુધી પડતો મૂકીને, રધુનાથનો થોડોઘણો પરિચય વાચકોને કરાવીશું.

મારવાડના પ્રસિદ્ધ રાજા જસવંતસિંહનો સેનાપતિ ગજપતસિંહ એક ખરો રજપૂત હતો. એ ગજપતસિંહે ચંદ્રરાવ નામના એક અનાથ રજપૂતને પાળી પોષીને મોટો કર્યો હતો. જ્યારે એ છોકરો મોટો થયો, ત્યારે ગજપતસિંહે એને સેનામાં દાખલ કરાવી દીધો. એણે ઘણી વાર પોતાનું પરાક્રમ બતાવ્યું. ગજપતસિંહ એક દિવસ એની વીરતાથી એટલો બધો પ્રસન્ન થયો કે, એકદમ એમના મોંમાંથી નીકળી ગયું કે, “આજ તારે જે ઇનામ માગવું હોય તે માગ. આજ તું માગીશ તે હું આપીશ.” ગજપતસિંહના મનમાં એમજ હતું કે ધન, દોલત, અલંકાર કે જમીન માગશે; પણ ચંદ્રરાવનું ધ્યાન બીજી તરફ જ હતું. એણે ધાર્યું કે આવો લાગ ફરી ફરીને મળવાનો નથી, એટલે એણે વિનયપૂર્વક ગજપતસિંહને કહ્યું: “આપ ખરેખર મારા ઉપર પ્રસન્ન થઈને મને ઈનામ આપવા માગતા હો, તો કૃપા કરીને લક્ષ્મીબાઈ મને આપો.” લક્ષ્મીબાઈ ગજપતસિંહની રૂપવતી કન્યા હતી. ગજપતસિંહને આ વિનતિ ઘણી ગેરવાજબી લાગી, કારણ કે પોતાની લાડકવાઈ કન્યાને એક અનાથ સાથે પરણાવવાનું તેમને પસંદ નહોતું, છતાં પણ એ વખતે તો એ ખામોશ રહ્યો; પરંતુ એના મૌનસાધનથી ઊલટું ખરાબ પરિણામ આવ્યું. ચંદ્રરાવના મનમાં અનેક પ્રકારની ચિંતા ઉત્પન્ન થવા લાગી અને એ ગુપ્ત રીતે ગજપતસિંહને મારી નાખવાનો પ્રપંચ રચવા લાગ્યો. આ દુષ્ટ ઇરાદાથી ચંદ્રરાવ ઔરંગઝેબ સાથે મળી ગયો અને તેને ઉશ્કેરીને જસવંતસિંહના રાજ્ય ઉપર ચડાઈ કરાવી. આ લડાઈમાં ઔરંગઝેબનો વિજય થયો અને ચંદ્રરાવે લાગ જોઈને ગજપતસિંહને મારી નાખ્યો, પણ આ નીચ કામ એણે એવી ચાલાકી અને સફાઈથી કર્યું કે, એક બે માણસ સિવાય બીજા કોઈને એની ખબર પણ પડી નહિ.

જસવંતસિંહ લડાઈમાંથી હારીને પાછો આવ્યો, ત્યારે એની રાણીએ કિલ્લાના દરવાજા બંધ કરાવ્યા અને કહ્યું કે, “જસવંતસિહ