પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
શ્રેષ્ઠીકન્યા અસામાન્યા


 માટે અસામાન્યાને મોકલવી, એવી સૂચના કેટલાક ગૃહસ્થોએ તેના પિતાને કરી. એમણે એમ ધાર્યું હતું કે, પોતાના પ્રિય પતિના ખૂની નરાધમ નવાબ સિરાજઉદ્દૌલાની આવી દુર્દશા જોવાથી કદાચ તેના મનનું સમાધાન થશે. એ સૂચના પ્રમાણે એનો પિતા એ ભયંકર દેખાવ દેખાડવા તેને કબ્રસ્તાનમાં લઈ ગયો. ચમત્કાર એવું બન્યું કે, એ દેખાવ જોતાંવારજ લગભગ અઢી વર્ષથી ચિત્તભ્રમના રોગથી પીડાતી અસામાન્યા એકદમ શુદ્ધિમાં આવી ગઈ. તે ઘણી વાર સુધી એ લોહીલોહાણ થયેલા નવાબના શબ તરફ એકીનજરે જોતી રહી અને ત્યાર પછી પોતાની દાસીના સામું જોઈને પૂછવા લાગીઃ “આ કોણ છે? શા અપરાધને માટે એનું શરીર આ પ્રમાણે છિન્નવિછિન્ન કરી નાખવામાં આવ્યું છે?” દાસીએ ઉત્તર આપ્યો “બાઈસાહેબ ! એ તો આપના પ્રિય પતિનું ખૂન કરનાર દુષ્ટ સિરાજઉદૌલ્લાનું શબ અહીંયાં દફનાવવા માટે આણવામાં આવ્યું છે. જેણે આપને માટે પોતાના ચિત્તમાં દુષ્ટ વિચાર રાખ્યો હતો, તે નવાબ સિરાજઉદ્દૌલ્લાને પરમેશ્વરે તેનાં પાપની યોગ્ય સજા ભોગવવા આ સ્મશાનમાં આણ્યો છે." દાસીની કહેવાની મતલબ એ એકદમ સમજી નહિ, પણ થોડી વાર પછી તેના અંતઃકરણમાં એકદમ કોઈ એવો પ્રકાશ પડ્યો અને તે જોરથી બોલી ઊઠી: “ઠીક! ઠીક! ઘણું સારું થયું ? હવે મને ઘેર લઈ જા.”

અસામાન્યાની આજ્ઞા પ્રમાણે સેવકો તેને ઘેર પાછી લઈ ગયા. તેની વૃત્તિમાં હવે જમીન આસમાનનો ફેરફાર જણાવ્યા લાગ્યો. તેની પહેલાંની ઘેલછા બિલકુલ ચાલી ગઈ અને એનો જીવ ઘણો આનંદમાં રહેવા લાગ્યો. પરંતુ એ મનમાં ને મનમાં કાંઇ વિચાર કર્યા કરતી હતી. ઘણી વાર એ કહેતી કે, “મારે જે કરવાનું હતું, તે પરમેશ્વરે કર્યું. મારું કર્તવ્ય એણે બજાવ્યું; એટલા માટે પરમેશ્વરનું કર્તવ્ય જે હતું, તે મારે કરવું જોઈએ.” તેના આ શબ્દોનો ભાવાર્થ કોઇ કળી શક્યું નહિ અને જ્યારે એ લોકો એને ભાવાર્થ સમજી શક્યા, ત્યારે એ બધું નિરર્થક હતું, કારણ કે ઘરનાં બધાં માણસોની નજર ચૂકવીને અસામાન્યા કોણ જાણે ક્યાંની ક્યાં નાસી ગઈ હતી.

એની પાછળ ઘણા લોકો ગયા, પણ કોઈને તેનો ક્યાંય પત્તો લાગ્યો નહિ. એ મધ્ય રાત્રિએ ઘરમાંથી નીકળીને નાસી ગઈ