પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



વજ્રાઘાત થયો. એમના નેત્રોમાંથી આંસુનો વરસાદ વરસવા લાગ્યો. એ આંસુથી શ્રીગૌરાંગના ચરણ ભીના થયા અને એ જાગી ઊઠ્યા તથા કહેવા લાગ્યાઃ “તું રડે છે શા માટે? હું તો તારી પાસેજ છું.” એટલું સાંભળતાંવાર તો વિષ્ણુપ્રિયાની આંખોમાંથી અશ્રુધારા વધારે જોરથી વહેવા લાગી. શ્રીગૌરાંગે તેને રોકવાનો ઘણોએ પ્રયત્ન કર્યો પણ એ આંસુ ખાળી ન શકાયાં. શ્રીગૌરાંગને વ્યસ્ત જોઈને વિષ્ણુપ્રિયા કહેવા લાગ્યાં. “નાથ ! શું એ સાચી વાત છે કે તમે મને છોડીને ઘરમાંથી ચાલ્યા જશો, સંન્યાસી થઈ જશો ? એ ખબર સાંભળીને મારું હૃદય ચિરાઈ જાય છે. તમે મને છોડીને જવાના હો તો પછી આ જીવનની આવશ્યકતાજ શી છે? હું જીવીને શું કરીશ ? હું એમ ધારતી હતી કે મારા જેવી ભાગ્યવતી કોઈ નથી, કેમકે તમે મારા પ્રિય પ્રાણનાથ છો ! મને મોટી આશા હતી કે આ યૌવન, આ તન અને મન તમને સમર્પણ કરીને તમારો સંસાર સુખી કરીશ. હાય ! મને મારા પોતાના સુખની કાંઈ પરવા નથી. ગૃહત્યાગથી તમને સુખ થવાનું હોત તોપણ ધીરજ ધરત, પરંતુ સંન્યાસી થઈને તમે ક્યાં ફરતા ફરશો ? કાંટા કાંકરા આ કોમળ પગને વીંધી નાખશે ! તમે દુઃખ કયે દિવસે જોયું છે? વરસાદની ઝડીમાં, જેઠવૈશાખના ઉગ્ર તાપમાં, કકડતી ટાઢમાં તમે એકલા ગામેગામ અને અરણ્યે અરણ્યે કેવી રીતે વિચરશો? તમારા ચરણ સિવાય મારી ગતિ નથી. મને ઠેસ મારીને તમે ચાલ્યા જશો? તમને ધર્મભય પણ નથી? વૃદ્ધ માતા શચિદેવી તમારા જવાની વાત સાંભળીનેજ અધમૂઆ થઈ ગયાં છે, તેમની શી દશા થશે ? તમારા ભક્ત મુકુન્દ દત્ત, શ્રીનિવાસ અને હરિદાસનું શું થશે ? શું તમે એ બધાને છોડી દઈને સંન્યાસ લેશો ? એમ કર્યાથી લોકોમાં તમારો અપયશ થશે. મારાથી તમારી નિંદા કેમ સાંભળી શકાશે?” થોડી વાર ચૂપ રહ્યા પછી તેમને એક બીજો વિચાર સૂઝ્યો. તે પતિના ચરણ પકડીને રોતાં રોતાં કહેવા લાગ્યાંઃ “પ્રાણેશ્વર ! હૃદયવલ્લભ ! મારે લીધેજ તમે સંસારી છો, ગૃહસ્થાશ્રમી છો. આ સંસારમાં જો જાળરૂપ કોઈ હોય તો હુંજ છું. આ અભાગણીની ખાતરજ તમે સંસારત્યાગ કરવા તૈયાર થયા છો. હુંજ તમારા ધર્મજીવનમાં પરમશત્રુ બની છું. મારે લીધેજ તમે નિશ્ચિંત થઈને ભજનકીર્તન કરી શકતા નથી. સ્ત્રીનું કર્તવ્ય છે કે