પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



અને પ્રભુના આશીર્વાદથી હું એ કાર્ય સાધવાનું બીડું ઝડપું છું. હું પૂરૂં ધ્યાન દઈને ચોરલૂંટારાઓને દબાવી દઈશ તથા ઈંદોર રાજ્યની પ્રજાને સુખ અને શાંતિમય જીવન ગાળવાની સગવડ કરી આપીશ. એ કામ સારૂ રાજ્ય તરફથી દ્રવ્ય તથા સિપાઈઓની મદદ મને મળવી જોઈએ.”

યુવકનાં એ ઉમંગભર્યા વચનો સાંભળીને અહલ્યાબાઈ ઘણાં પ્રસન્ન થયાં. એના આખા શરીર ઉપર વીરતા ઝળકી રહી હતી. એ સાહસિક વીર પોતાનીજ જાતિનો છે, એ જાણતાં એમના હર્ષમાં વધારો થયો. એમના અંતઃકરણે સાક્ષી પૂરી કે, “આ મરાઠા યુવક મુક્તાબાઈને યોગ્ય વર છે.” એમણે તરતજ પોતાના અમલદારોને આજ્ઞા આપી કે, “આ યુવકને ખજાનામાંથી જેટલું ધન જોઈએ તેટલું આપો.” સેનાધ્યક્ષને આજ્ઞા આપી કે, “એને જેટલા સિપાઈઓની જરૂર પડે, તેટલા સિપાઈઓ તરતજ આપવા.” દરબાર બરખાસ્ત થયો. આવેલા સરદારો અને મહેમાનોને રાણીએ ભોજન કરાવીને વિદાય કર્યા. પેલા મરાઠા યુવકનું નામ યશવંતરાવ ફાણશે હતું. રાણીએ એક દિવસ તેને પોતાની પાસે રાખી એના કાર્યને લગતી સૂચનાઓ આપી હર્ષપૂર્વક વિદાય કર્યો.

યશવંતરાવે બે વર્ષમાં રાજ્યમાં એવો બંદોબસ્ત કર્યો કે, પ્રજાનાં દુઃખ દૂર થઈ ગયાં. ચોરલૂંટારા કાબૂમાં આવ્યા અને લોકો સુખશાંતિમાં જીવન ગાળવા લાગ્યા. અહલ્યાબાઈને ખાતરી થઈ ગઈ કે, યશવંતરાવે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે. હવે એમણે એની સાથે પુત્રી મુક્તાબાઈનું લગ્ન કરવાની તૈયારી કરી.

રાજ્યના સરદારો, શેઠશાહુકારો અને સામંતોને આમંત્રણ મોકલવામાં આવ્યાં અને ઘણા ઠાઠથી મુક્તાબાઈનું લગ્ન વીર યશવંતરાવની સાથે કરવામાં આવ્યું. આખા રાજ્યના બ્રાહ્મણનો એ શુભ પ્રસંગે ભોજન કરાવવામાં આવ્યું તથા વસ્ત્રનું દાન કરવામાં આવ્યું. જમાઈ તથા તેનાં સગાંઓને પુષ્કળ પહેરામણી આપી. પુત્રીને પણ કિંમતી ‘દહેજ’ તથા તરાણા પરગણું લગ્ન પ્રસંગે કન્યાદાનમાં આપ્યું.

જમાઈ તથા કન્યાને વળાવતી વખતે દેવી અહલ્યાબાઇનું હૈયું ભરાઈ આવ્યું અને તે ગદ્‌ગદ કંઠે કહેવા લાગ્યાં: “બેટા યશવંતરાવ ! હવે તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો છો. એ સંસાર ઘણો વસમો છે. બહુ સાવચેતીથી ચાલજો અને તમારે આશ્રયે