પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
જ્યેષ્ઠા



તારૂં રક્ષણ કરે એવું કોઈ નથી. તું મારી સાથે ચાલ. મારો વૈભવ પાર વિનાનો છે. તું એ અપૂર્વ વૈભવની સ્વામિની થઈશ. તું મારા હૃદય અને ગૃહરાજ્યની રાણી થઈશ. તને સુખ આપવામાં હું કોઈ પણ પ્રકારની મણા નહિ રાખું.”

પરંતુ એ કપટી દેવતાનાં વચન તરફ સતી જ્યેષ્ઠાએ કાન પણ ન માંડ્યા. તેણે પોતાનાં કાનમાં આંગળીઓ ખોસી દઈને કહ્યું: “હે અધમ મતિના પુરુષ ! તું તો શું, પણ સ્વર્ગમાંથી ઇંદ્ર પોતે આવે તોપણ હું મારા પતિ સિવાય પણ કોઈની સાથે ગમન કરવાની નથી. મારે મનથી મારા પતિજ ત્રણે લોકમાં સર્વથી શ્રેષ્ઠ પુરુષ છે. હું જીવને જોખમે પણ મારા પાતિવ્રત્ય ધર્મનું રક્ષણ કરીશ. પતિપ્રેમ આગળ હુ ત્રણે લોકના વૈભવને ધૂળ સમાન ગણું છું.” તેનાં વચનો ઉપર કશું પણ લક્ષ ન આપતાં એ કામાતુર દેવતા તેની ઉપર બળાત્કાર કરવાના ઈરાદાથી આગળ ધસવા ગયો; એટલે સતીએ અત્યંત ગુસ્સે થઈને કહ્યું: “ખબરદાર ! દુષ્ટ ! એક ડગલું પણ આગળ આવીશ નહિ, તેમજ એવા ખરાબ ભાવનો એક પણ અક્ષ૨ તારા મલિન મુખમાંથી કાઢીશ નહિ. જો તું બળાત્કાર કરવા પ્રયત્ન કરીશ, તો હું આત્મહત્યા કરીશ, તેનું પાપ તારે માથે ચોંટશે.”

સતી જ્યેષ્ઠાની આટલી બધી દૃઢતા જોઈને એ દેવ આશ્ચર્યચકિત થઈ ગયો. તે પોતાના મનમાં પ્રસન્ન થઈને સ્વર્ગલોકમાં પાછો ગયો.

કુમાર નંદિવર્ધનને જ્યારે પત્નીના સતીત્વની આ વાતની ખબર પડી ત્યારે તેના હૃદયમાં પત્ની માટે સદ્ભાવ સહસ્ત્રગણો વધી ગયો. આ પતિપત્નીએ પ્રેમપૂર્વક ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થનું સાધન કર્યું. પાછલી વયમાં સતી જ્યેષ્ઠાએ પતિની આજ્ઞાથી પોતાના દિયર પાસે જૈનધર્મની દીક્ષા લીધી. સંન્યાસિની થયા પછી તેણે સ્ત્રીઓને બોધ આપવામાં પોતાનું આયુષ્ય ગાળ્યું હતું. તેના ઉપદેશથી ઘણી સ્ત્રીઓ સન્માર્ગે ચડી હતી.