પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



તારા ભાઈને વચન આપ્યું છે, કે હું તારી સાથે અહીં જ રહીશ. હું મારી પ્રતિજ્ઞાનો ભંગ કદાપિ નહિ કરૂં. દ્રવ્યનો નાશ થાય, ભાઈબંધુઓ ગુસ્સે થાય, રાજ્યનો નાશ થાય, પ્રાણ જાય તોપણ ડાહ્યા મનુષ્યો પ્રતિજ્ઞાનો ભંગ કરતા નથી. માણસે જેટલું નભી શકે તેટલું જ વચન આપવું જોઈએ. માટે વચનથી બંધાયલો હું અહીંથી ખસનાર નથી.”

અન્નિકા સમજુ સ્ત્રી હતી. પતિનું ધર્મસંકટ તે સમજી શકી. પોતાની ખાતર પતિ માતપિતા પ્રત્યેનો ધર્મ બજાવતાં ચૂકે છે એ તેને યોગ્ય ન લાગ્યું. તેણે પતિને બોધ આપ્યો “માતપિતા સમાન તીર્થ નથી તો પછી એમની ખાતર પ્રતિજ્ઞાભંગ થાય એમાં પણ દોષ ન કહેવાય.” તેણે પોતાના ભાઈને પણ સમજાવ્યો અને પતિની સાથે સાસરે જવાની રજા માગી.

અન્નિકા સગર્ભા હતી. તેને લઈને દેવદત્ત માતાપિતાની પાસે જવા નીકળ્યો. માર્ગમાંજ અન્નિકાએ પુત્રને જન્મ આપ્યો. માર્ગમાં સુવાવડના સમય જેટલું રોકાઈ, અન્નિકા પતિ સાથે સાસરે પહોંચી અને સાસુસસરાને વિનયપૂર્વક પગે લાગી. એમણે અન્નિકાના પુત્રનું નામ સંધિરણ પાડ્યું, પણ અન્નિકાના સદ્‌ગુણ તેનામાં ઊતરી આવેલા હોવાથી સંસારમાં એ “અન્નિકાપુત્ર”ના નામથી પ્રસિદ્ધ થયો.

અન્નિકાએ તેનામાં ધાર્મિક ભાવ દાખલ કર્યો હતો, તેને લીધે મોટી વયે સંસારના ભોગવિલાસ પ્રત્યે તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને દીક્ષા ગ્રહણ કરી શાસ્ત્રાધ્યયનમાં જીવન ગાળ્યું.