પૃષ્ઠ:Rasataragini.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૬
<poem>

સહિયર સૌ મળી રે રમતી રંગભર્યો કૈં રાસ, ઘેરા ગાનથી રે ગાજે અવની ને આકાશ.

રસને રેડતી રે ભૂલી ભામિનીઓ ઉરભાન, પડઘા પાડતી રે ગાતી દશ દિશા સંગે ગાન; રંગે રીઝતો રે ચૂક્યો ચાંદલિયો નભચાલ. થંભ્યા તારલા રે થાંભ્યા ડેાલતા દિક્‌પાલ.

વનના વાયરા રે ય બન્યા નદીઓ કેરાં નીર, કર સંકોરતાં રે થંભ્યાં તરુવર તેને નીર; આ શું એકલી રે સહિયર છોડી સહુનો સંગ, ચાલી ચોંપથી રે રૂડા રંગ તણો કરી ભંગ.

આવ્યો આકરો રે શું કૈં સાસુને સંદેશ ? ગાણું ના ગમ્યું રે રમતાં રીસ ચડી ગઈ છેક ? ફરતાં ફુદડી રે આવી અંતરમાંહિ ઉછાળ ? કાયા કોમળી રે વેઠી ન શકે ઝાઝી વાર.

આવ્યો આકરો રે ના કૈં સાસુને સન્દેશ, નહિ-નહિ રૂસણાં રે લાગ્યો થાક નહિ લવલેશ; પોઢયા પારણે રે આવ્યા બાળકુંવર કૈં યાદ, રસભર રાસની રે એથી તૂટી મન મરજાદ.

અંતર ઊછળ્યાં રે વધતાં પ્રેમ તણાં કૈં પૂર, કંઠે કા૨મા રે અટકી રેાકયા સહેજે સૂર; સરવરતીરને રે તોડી જળલહરી વહી જાય, છોડી સંચરી રે એવો સહિયરને સમુદાય.