પૃષ્ઠ:Rasbindu.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮ : રસબિન્દુ
 

તો ઘણા ય કૂવા હોય, પણ અમારાથી એ કૂવે પાણી ન ભરાય. અમે ઉકળાટનાં માર્યાં, તરસનાં માર્યાં તરફડતાં હોઈએ, તો ય ગામના કૂવાનાં મબલખ પાણીમાં અમે ઘડો કે ડોલ તો શું પણ આંગળી સુધ્ધાં બોળી શકીએ નહિ ! પાણી તો પ્રભુની આપેલી પ્રસાદી છે, ખરું ? પણ અમે એ પ્રસાદીની પાસે જઈએ તો અમને માર પડે.

તમે ચમકો છો ? હા હા. અમને માર પડે, સારી રીતે માર પડે ! અમને પાણી ભરવા ન દે એ તો ઠીક, પણ અમને કોઈ પાણી આપે પણ નહિ. અમને પૉશે પણ કોઈ પાણી પાય નહિ. એકાદ કાચો કૂવો અમારી મહેનતે ખોદેલો અમારા લત્તામાં હોય; પાણી ગળાય નહિ; કચરો પડે; પાણી ઊતળાં થઈ જાય; ખાડા ખોદીએ કે દૂર નાળામાં પાણી ભરવા જઈએ. અમને ગામના પાણીની બંધી.

અમને પાણી જ ન મળે તો બીજાં કયાં સાધનો મળે ? દવા મોંઘી પડે. વૈદો કે દાક્તરો અમને ઊભાં પણ ન રાખે. વૈદો અમને અડકે નહિ અને દાક્તરો તો એમના સ્પર્શને એટલો મોંઘો બનાવે છે કે એમનો વિચાર અમારાથી થઈ શકે જ નહિ. અમારી સારવાર કોઈ કરે જ નહિ. ભૂવા કે ડામ દેનાર ઊંટવૈદો સિવાય અમને કોઈ ઊભાં જ ન રાખે.

પુષ્ટિકારક ખોરાક અમારે ખાવો જોઈએ એમ તમે કહો છો ? અમને પૂરો ખોરાક ન જ મળતો હોય ત્યાં પુષ્ટિકારક ખોરાકની વાત કેવી ? અમે એવા દેશના સુપુત્રો છીએ કે જ્યાં અડધી વસતી એક ટંકનો ખોરાક પણ મુશ્કેલીએ મેળવી શકે છે, પા વસતી દોઢ ટંક અને બાકીનાને જ બે ટંક જમવાનું. એમાં અમારો પત્તો ક્યાં લાગે ?

ખોરાક મફત મળતો નથી; એને માટે પૈસા જોઈએ. પૈસા માટે મજૂરી કરી અને દેહ તોડીએ છીએ પણ એમાંથી મળતર કેટલું ? જમીએ છીએ એવો અનુભવ અમારી આખી જિંદગીમાં