પૃષ્ઠ:Rasbindu.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક જુલ્મકથા : ૧૦૧
 

આવનાર ભાવિકોના હૃદયમાં ધર્મે-ધર્મશાસ્ત્રે મના કરેલા બધા જ ક્રૂર ભાવો ફૂટી નીકળે, અને અમારાં લોહી ત્યાં રેડાય એટલી પાશવતા ત્યાં પ્રગટી ઊઠે ! ભલા, ઈશ્વરને પણ અમારાથી સંતાડી રાખવાનો ?

સાંભળો.

અમારાં જ ધર્મશાસ્ત્ર અમારાથી ભણાય નહિ.

અમારી જ ધર્મવાણી અમારાથી બોલાય નહિ - અરે, સંભળાય પણ નહિ.


અમારાં જ ધર્મસ્થાનોમાં અમારાથી પગ પણ મૂકાય નહિ.

અમારા જ દેવનાં અમારાથી દર્શન થાય નહિ.

દેવદર્શન કરવા હોય તો અમારે પણ અમારા અભડાયેલા દેવ અને અભડાયેલાં મંદિરો રચવાનાં ! એમાં અમારાં બીજા સ્વધર્મીઓ આવે પણ નહિ !

અમે ઈશ્વરનું નામ દઈએ, ભજનો ગાઈએ, પ્રાર્થના કરીએ તો ય અમે અપવિત્ર !

વધારેમાં વધારે દુ:ખ અમને આ વહેરાવંચાનું લાગે છે ! પ્રભુ પતિતપાવન કહેવાય છે. પ્રભુ કે પ્રભુનું ધામ અમને પાવન ન કરે ? પ્રભુનું બિરદ ખોટું પાડનાર એના ભક્તો અમને પતિત રાખી પ્રભુને પણ પતિત તો નહિ બનાવતા હોય ?

ભવસાગરમાં પાર ઉતારનાર નૌકા એ ધર્મ ! ધર્મ પાસે જતાં અમને એ ડૂબતી નૌકા લાગે છે !

ધર્મ અને ધર્મમંદિરોને તોડનારનો રાજઅમલ સ્વીકારાય, તેની નોકરી થાય, તેને સલામો ભરાય, તેના ચરણસ્પર્શ થાય; પણ અમને સ્વધર્મીઓને તો અડાય પણ નહિ !

હા, હા, અડાય પણ નહિ. પરંતુ એક જ ધર્મ પાળનાર અમે અસ્પૃશ્ય પ્રાણીઓથી પણ અમે માનવો-સમધર્મીઓ-નપાત્ર ! અમને કોઈ અડકે જ નહિ. અડકે તો અપવિત્ર બની જાય; ને સ્નાન કરે ત્યારે જ અમારા ધર્મબંધુઓ અમને અડી જવાના પાપમાંથી મુક્ત થાય ! .