પૃષ્ઠ:Rasbindu.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮ : રસબિન્દુ
 

આવા પ્રસંગે શું કરવું જોઈએ એનું હું સચોટ વિવેચન કરી શકું પરંતુ મારો સેવાભાવ જરા શરમાળ છે, એટલે મેં દૃષ્ટાંતરૂપ બનવાનો મોહ જતો કર્યો અને થોડી વધારે સ્પષ્ટતા સાંભળી હું ટોળાની બહાર નીકળ્યો. બહાર નીકળી મેં બીડી પીતાં સિપાઈને પૂછ્યું : ‘આ કોણ બાઈ છે ?’

‘તમારે શી પંચાત ? તમારી સગી હોય તો લઈ જાઓ, નહિ તો ભીડ ઓછી કરો.’ તોછડાઈના નમૂનારૂપ સિપાઈએ મને જવાબ આપ્યો. હું ગુસ્સે થાઉં તે પહેલાં સિપાઈની પાસેની દીવાસળીની પેટી પાછી લેનાર એક સાદા મનુષ્યે મને કહ્યું : ‘એ તો ગાંડી છે, ગાંડી. થોડા દિવસથી આમ જ કરે છે.’

‘આમ જ કરે છે એટલે ?’ મેં પૂછ્યું.

‘લોકો ચીડવે એટલે એ પથરા મારે; અને એ પથરા મારે એટલે છોકરાં એને સામા પથરા મારે.’

‘કોઈ રોકતું નથી ?’

‘ગાંડાને કોણ રોકે ?’

‘એ સ્ત્રી ગાંડી કે એને ચીડવનાર લોકો ગાંડા ?’ મને વિચાર આવ્યો. પરંતુ આવાં નિત્ય થતાં કુતૂહલ ઝડપથી શમી જાય છે. હું બીજા વ્યવસાયમાં પડ્યો; બીજાં ટોળાં જોયાં; અને આ વાત ભૂલી ગયો. બનેલું બધું જ યાદ કરવા જઈએ તો આપણે પણ પથરા ખાવાની સ્થિતિમાં ઝડપથી મુકાઈ જઈએ !

પરંતુ એ જ રસ્તે મારે વારંવાર જવું પડતું હતું. ત્યાં આછાંપાતળાં ટોળાં તો સતત વળેલાં જ રહેતાં. એ ટોળાંનું કેન્દ્ર બનેલી પેલી ઘેલી સ્ત્રી ચીથરાં પહેરી હાથમાં એકાદ નાનું વાસણ લઈ ત્યાં બેઠી હોય, ઊભી હોય કે સૂતી હોય જ ! એકબે વખત મને લાગ્યું કે એ સ્ત્રીનું મુખ કોઈ સમયે જોવું ગમે એવું હોવું જોઈએ ! આજ તો તેની બાવરી આંખ તેના મુખને પણ કદરૂપું