પૃષ્ઠ:Rasbindu.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંડી :૧૧૩
 


‘જો ને, કાસમ ! પેલી બાઈ પથરા ફેંકે છે. બે ધોલ લગાવ !’ કારમાં બેઠેલા ગૃહસ્થે શૉફરને આજ્ઞા કરી. ધોલ મારવા માટે પણ ધનવાનો માણસોને ભાડે રાખે છે ! એમનાથી ધોલ મારવા જેટલો પણ હાથ ઊંચકાતો નથી !

શૉફરે ગાડી બાઈ પાસે વાળી – જોકે ત્રીજો પથરો એટલામાં ફેંકાઈ ચૂક્યો હતો – અને પાસે આવતાં બરાબર શૉફર નીચે ઉતર્યો.

લોકો ભેગા થઈ ગયાં, અને પેલી બાઈએ હાથમાં પથરા રાખી ગાળોનો વરસાદ વરસાવવા માંડ્યો. શૉફર જરા ખમચાયો; લોકોમાંથી વિનંતીઓ ફેંકાવા લાગી : ‘જવા દો, સાહેબ ! એ તો ઘેલી છે. એને ભાને ય નથી.’

‘ધાંધલ કે ફજેતી સિવાય જેટલો રૉફ મારી શકાય એટલો જ રૉફ મારે એવું સૂત્ર સ્વીકારનાર કારના માલિકે વધારે ટોળું ભેગુ થાય તે પહેલાં કારને ચલાવી અદૃશ્ય કરી. પેલી બાઈ હજી ગાળો દેતી બંધ પડી ન હતી. લોકો તેને સમજાવતા હતા, છોકરાં તેને ચીડવતાં હતાં, અમે ધીમે ધીમે ધૂળ તથા કાંકરા ફેંકી પેલી બાઈને વધારે ઉગ્ર બનાવતાં હતાં.

સિપાઈએ ટોળાંને વિખેરતાં પેલી સ્ત્રીને ધમકાવવા માંડી : ‘કેમ પથરા ફેંકે છે ? મરવાની થઈ છે, ખરું ?’

‘મરને તું ! હું તો પથરા ફેંકવાની ને એ બધાંયને મારવાની !’

‘કોણ જાણે ક્યાંથી આ ગાંડી આવીને લોહી પીએ છે !’ એ સ્ત્રીને માર મારવા ઉપાડેલો હાથ કોણ જાણે કેમ પાછો ખેંચી લઈ સિપાઈ બોલી ઊઠ્યો.

‘હું લોહી પીઉં છું ? મારા છોકરાને કચરી લોહીલુહાણ કરી નાખ્યો એનું શું ?’ બાઈએ જવાબ આપ્યો.

અને મને તત્કાળ સમજાયું કે સાચી અગર ખોટી, આવી જ કોઈ ભ્રમણામાં આ બાઈ આમ ગાડીઓ તરફ પથરા ફેંકવાની ઘેલછા કાઢે છે.

એનો પુત્ર સાચેસાચ કોઈ કાર નીચે કચરાઈ ગયો હોય તો ?