પૃષ્ઠ:Rasbindu.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કદરૂપો પ્રેમ : ૧૨૧
 

કરતી અને એકાંત હોય તો કોઈને તાળી પણ આપતી. એ વીરાજીને બિલકુલ ગમતું નહિ. વીરાજીએ ધીમે ધીમે ચંચળની ચૉકી કરવા માંડી.

એક રાતે ખેલ પુરો થતાં પહેલાં એક નટ પડદાના અંધારાનો લાભ લઈ ચંચળને ખભે હાથ મૂક્યો. ચંચળ એ બદલ વિરોધ જાહેર કરે તે પહેલાં તો નટના વાંસ ઉપર જબરદસ્ત મુક્કો પડ્યો, અને એ મુક્કો મારનાર વીરાજી વધારે ધાંધલ કરી ચાલતા નાટકને હરકત ન કરે તે માટે ચંચળે તેને ધમકાવ્યો, નટ તો મુક્કો ખાઈ તખ્તા ઉપર આવી ‘સતીત્વ’ ઉપર બેત બોલતો હતો.

‘કેમ આમ ધાંધલ કરે છે ? ઘેલો તો નથી બની ગયો ?’ ચંચળ કહ્યું.

‘તારે ખભે હાથ મૂકનાર એક કોણ ?’ વીરાજીએ કહ્યું.

‘શું થઈ ગયું એમાં ?’ ચંચળે જીવન અને નાટક બંનેમાં પ્રસરેલી વ્યાપક વિકારવૃત્તિને અનુમોદન આપતાં કહ્યું.

ચંચળને પણ અનિયમિત રમત ગમતી હતી શું ? એવી રમતને તે ઉત્તેજન આપતી હતી શું ?

‘હું તને છેલ્લી વાત કહું. મારા દેખતાં તારી સાથે જે કોઈ ચેડાં કાઢશે તેની હું બરાબર ખબર લઈશ.’ વીરાજીએ કહ્યું.

‘મારો માલિકબાલિક તું છે શું ?’ ચંચળે પૂછ્યું – જરા ક્રોધમાં.

‘નહિ હોઉં તો થઈશ.’

‘આ મોં લઈને ? જરા આયનામાં તો નજર નાખ ?’ કહી ચંચળ આગળના ઉઘડેલા પડદા નજીક છમકારા સાથે જઈ નૃત્ય કરવા લાગી.

લોકોની તાળીઓ પડતી હતી; અંદરના સઘળા નટ ચંચળનું નૃત્ય કે નૃત્યમાં સ્ફુટ થતું સ્વરૂપ જોઈ રહ્યા હતા. આયના આગળ એકાંત હતું; અને વીરાજીએ આયનામાં મુખ જોયું.

વીરાજી પોતાનું જ મુખપ્રતિબિંબ જોઈ ચમક્યો. એને આજ સુધી ખબર ન હતી કે પોતે આવો ભયંકર કદરૂપો હતો !