પૃષ્ઠ:Rasbindu.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘તે શું કરવાને આવ્યો? કોણે કહ્યું હતું? ધમકાવવા આવ્યો છે, નહિ ?’ ચંચળે વીરાજીને સામે ધમકાવ્યો.

‘ના; એક વાત નક્કી કરવા આવ્યો છું.’

‘હું તારું ઘર માંડું અને તારો સંસાર ચલાવું,એમ? એ કદી બનવાનું નથી.’ વીરાજી શું માગશે એ સમજીને જ ચંચળે નિકાલ કર્યો.

‘કારણ? મેં તારી પાછળ જીવ આપવો બાકી રાખ્યો છે. તને ખબર નહિ હોય કે મેં તારી સાથે રહેવા માટે શું શું જતું કર્યું છે.’ વીરાજીએ ધીમે ધીમે પણ લોખંડના રણકારા સરખા અવાજે કહ્યું.

‘ભોગ તારા ! એમાં હું શું કરું?’

‘એટલે એમ કે હવે તને મારો ખપ નથી; ખરું ને? ગઈ રાતનો જલસો મારા વગર થઈ શક્યો.’

‘તેં જોયો તો ખરો !’

‘અને હું જઈશ પછી....’

‘મને મન ફાવશે તેની જોડે રહીશ. છે કાંઈ કહેવું ?’

‘કાંઈ કહેવું નથી; હું અત્યારે જ ચાલી નીકળું છું.’

‘જમીને પછી જજે.’

‘હવે જમવાનું ભાવતું નથી.’

‘ઓ મૂરખ ! તને ખબર છે કે તારા માટે મેં શું શું જતું કર્યું છે તે?’

‘હશે. પણ છેવટે તો મીંડું જ ને?’

‘જરા સારું મોં લઈને ન અવતર્યો?’ કહી ચંચળ હસી અને એકાએક લૂગડાનો છેડો આંખે દાબી રોવા લાગી.

વીરાજીએ લાકડાં સંકોર્યા અને પાસે પડેલાં તણખલાં ચૂલામાં નાખવા માંડ્યાં. ભડકો થવાને બદલે વધારે ધૂણી થઈ અને ચંચળે આંખ લૂછી ચૂલામાં લગભગ મોં ઘાલી ફૂંક મારવા માંડી.

વીરાજી ત્યાંથી ઊઠી ઊભો થયો અને સહજ દૂર ગયો.