પૃષ્ઠ:Rasbindu.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





સ્વર્ગદ્વાર


મારી આંખ ઊઘડી ત્યારે હું સ્વર્ગના દરવાજા આગળ ઊભો હતો.

પરંતુ દરવાજા બંધ હતા !

સ્વર્ગની આસપાસ અવનવી કિલ્લેબંદી હતી – જાણે મધ્યયુગનો કોઈ રજવાડી ગઢ ! પરંતુ પૃથ્વી પરના ગઢ કરતાં એ ઘણો મોટો, અતિ વિસ્તૃત, નજર પણ ન પહોંચે એવો વિશાળ !

કિલ્લાની પાછળ અનુપમ પ્રકાશ ઝબકી રહ્યો હોય એવો ભાસ થતો હતો. સુંદર ગાનન ભણકારા પણ વાગ્યા કરતા હતા. સ્વર્ગ એટલે પરમ સુખનું સાતત્ય ! દરવાજો ઊઘડે અને હું અંદર જાઉં એટલી જ વાર ! પછી સંગીત, નૃત્ય, અમૃત, સૌન્દર્ય, ઇન્દ્રધનુષ્યનાં વિમાન, ચંદ્રતેજના ફુવારા…

પણ હજી કેમ કોઈ દરવાજા ઉઘાડતું ન હતું ? હું તો ક્યારનો અહીં ખોટી થાઉં છું.

બૂમ પાડું ?

‘ખોલો, ખોલો, અય સ્વર્ગના દરવાનો ! દરવાજા ખોલો.’

મેં બૂમ મારી. જવાબ મળ્યો ? ના, ના. એ તો પડઘા પડે છે મારી જ બૂમના !

‘ક્યાંથી ? હું ક્યાં છું ? ક્યાં ઊભો છું ? એ તો ચોક્કસ જ છે કે મારી સામે સ્વર્ગનો જ દરવાજો ખડો છે ! તેજભર્યા અક્ષરે અહીં લખ્યું છે ને ?—

‘સ્વર્ગ.’