પૃષ્ઠ:Rasbindu.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘એટલે?’

‘તમારે ત્યાંથી મજુરી કરી થાકીને એ પોતાની ઝૂંપડીમાં ભર બપોરે આવી જમવા બેઠો. જમવાનું તો શું હોય? જુવારનો રોટલો અને મીઠું...’

‘ગરીબ માણસ બીજું ખાય પણ શું ?’ મેં જરા દમામથી કહ્યું.

‘એણે તો તે પણ ન ખાધું. ભૂખે તરફડી ગયેલી એક ભિખારણ એની ઝૂંપડી પાસે આવી મૂર્છા ખાઈ પડી. આ જીવાજીએ ભૂખ વેઠી લીધી અને પોતાનું અન્ન તેને આપ્યું. તમે એકાદ દિવસ એમ કરી જુઓ, પછી, સ્વર્ગની ઉમેદવારી નોંધાવો.’ફિરસ્તો બોલ્યો.

‘પણ વગર જરૂરે હું ભૂખે મરું?’

‘હજી તમે અહીં આવી શકો એમ નથી જ; પાછા જાઓ. તમને સ્વર્ગના માર્ગની માહિતી જ નથી !’

‘એ માહિતી ક્યારે થશે?’ મેં પૂછ્યું.

‘આ જીવાજીને પગલે ચાલો ત્યારે.’

‘જીવાજીને પગલે? એ તો ચોર પણ છે. હમણાંની મારા ઘરમાં પરચૂરણ ચીજોની ચોરી થાય છે, તેમાં એનો હાથ હોય એમ હું માનું છું. એવા ચોરને તમે સ્વર્ગમાં રાખો છો?’

‘આપની ચોરીઓ ગણાવું?’ ફિરસ્તાએ સહજ આંખ કપરી કરી કહ્યું.

‘મેં કદી ચોરી કરી નથી. પરંતુ કોણ જાણે સ્વર્ગમાં ચોરીની શી યે વ્યાખ્યા થતી હોય ! ઊંડા પાણીમાં ઊતરતાં મારે વ્યવહાર- દૃષ્ટિએ ડરવું જોઈએ.

‘આવો. જીવાજી ! પધારો આ સ્વર્ગમાં. તમારા શેઠને પૃથ્વી ઉપર પાછા હડસેલી મૂકીએ, સ્વર્ગમાં આવતાં પહેલાં હજી ઘણું ભ્રમણ એમણે કરવું પડશે.’ ફિરસ્તાએ કહ્યું.

‘પણ હું આટલે આવ્યો, સ્વર્ગનો પ્રકાશ જોયો, સંગીત સાંભળ્યું...’ હું મારો હક્ક સ્થાપન કરવા બીજા જ મુદ્દા ઉપર ઊતરી પડ્યો.