પૃષ્ઠ:Rasbindu.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જીવાજીએ પાછળ જોયું અને ચમકીને તે ઊભો થઈ ગયો.

‘બાપજી, તમે?’ જીવાજીથી બોલાઈ ગયું. મારા જેવો વિશ્વવિખ્યાત ધનાઢય અને નેતા એના સરખા નોકરની ઝૂંપડીએ આવે ત્યારે આશ્ચર્ય અને ભય સિવાય બીજી કઈ લાગણી ઊપજે?

‘શું કરે છે, જીવાજી?’

કાંઈ નહિ, સાહેબ ! આ જરા ફળનો રસ કાઢી મારી બહેનને આપતો હતો.

‘એ તારી બહેન છે?’

‘હા જી. સગી તો નહિ... પણ એથી યે વધારે અમે નાનપણમાં ભેગાં રમેલાં.’

‘પણ આ ફળનું ભૂત તને કોણે બઝાડ્યું ?’

‘શું કરું, બાપજી ! ડાક્ટર વૈદ્ય કહે એ કરવાનું. નહિ તો મારી બહેન નહિ.’

‘તે પૈસા ક્યાંથી લાવે છે?’

‘ભગવાન આપી રહે છે. બહેનને સાજી કરવી હશે તો ગમે ત્યાંથી એ પૈસા મોકલાવશે.’

‘પણ જો, જીવાજી ! આજે તારે મને પાંચ રૂપિયા પાછા આપવાના હતા તેને બદલે ત્રણે કેમ આપ્યા ?’

‘સાહેબ ! ખરું કહું? લાવ્યા’તો તો પાંચ. પણ આપે ત્રણ લીધા એટલે બે બચેલા રૂપિયામાંથી આ મોસંબી લઈ આવ્યો છું બહેન માટે. ચાલે એમ ન હોય તો હું ફાંફાં મારી જોઉં અને કાલ સવારે બાકીના બે રૂપિયા ભરી દઉં.’

‘અને આ પ્યાલો અને કાચનું કચરિયું-એ બધું ઠીક તેં ભેગું કર્યું છે!’ મેં ટીકા કરી.

‘સાહેબ ! સાચું કહું તો એ ચોરીનો માલ છે, આપને ત્યાંથી લાવ્યો. પાછો મૂકી દેવાનો ખરો; પણ પૂછવા રહું તો કોણ મને આપે ? ડૉકટરે કહ્યું કે ચોખ્ખા પ્યાલા વાપરજે...સાહેબ ! ચોરી તો ખરીસ્તો. પણ મારી બહેન સાજી થઈ જવા આવી છે એ બધા