પૃષ્ઠ:Rasbindu.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ : રસબિન્દુ
 

ભણેલો હોય તો તેને પ્રૌઢશિક્ષણપ્રવૃત્તિમાં કામ કરવા માટે સમજાવી હું આગળ નીકળ્યો. મહેનત કર્યા વગર પૈસો પામનાર જેમ પાપી થાય છે તેમ પૈસો આપનાર પણ પાપી થાય છે, એ અહિંસામાંથી ઉદ્‌ભવતા સિદ્ધાંત અનુસાર મેં ભિખારીને કાંઈ આપ્યું નહિ; એટલે આખી શેરીને ભેગી કરતી બૂમો પાડી ભિખારીએ દુનિયામાં કળજુગ ઊતર્યો હોવાની જાહેરાત આપી અને એ કળજુગ હું જ હોઉં એવું દૃશ્ય ખડું કર્યું.

આમ કચેરીમાં જતાં પાંચેક મિનિટ વાર લાગી.

‘શિકારની શોધમાં રહેતા હિંસક પ્રાણી જેવી મુખાકૃતિવાળા ન્યાયાધીશે તેમના ખંડમાં મારો પ્રવેશ થતાં બરોબર તેમની યાળ હલાવી ઘર્ઘર નાદ કર્યો, મને લાગ્યું કે આ ન્યાયાધીશના નખ લાંબા થાય તો જરૂર તેઓ અસીલ અને વકીલોને ફાડી ખાધા વગર રહે નહિ.

‘હું દિલગીર છું, સાહેબ !’ મેં કહ્યું,

‘તમે તો દિલગીર થયા. પણ મારી પાંચ મિનિટ બગડી તેનું શું ?’ શબ્દમાં દર્શાવી શકાય એના કરતાં એમના મુખ ઉપર વધારે ક્રોધ ભરેલો હતો.

‘પાંચ મિનિટ પૂરતો આપનો પગાર મારી પાસેથી આપ વસૂલ કરી શકો છો.’ મેં બહુ જ પ્રામાણિકપણે મારો વાંક સ્વીકારી એ વાંકનો બદલો ભરી આપવાની સાચી અને શાન્ત સૂચના કરી, છતાં કોણ જાણે કેમ, ન્યાયાધીશ સાહેબ ન્યાયાસન ઉપરથી ઊછળી બોલ્યા :

‘કૉર્ટનું અપમાન હું કદી સાંખી લઈશ નહિ. કૉર્ટનું અપમાન કરવા બદલ તમારા ઉપર તહોમત મૂકી હું અબઘડી કામ ચલાવું છું તેની તમે નોંધ લો.’

બધા વકીલબંધુઓ હાલી ઊઠ્યા.

‘નામદાર ! હું કોર્ટનું કદી અપમાન કરું જ નહિ. મારી આબરૂ કરતાં મને કૉર્ટની આબરૂ વધારે વહાલી છે.’ મેં કહ્યું.