પૃષ્ઠ:Rasbindu.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસાનો એક પ્રયોગ : ૨૫
 


‘પ્રથમ તો તમે મોડા આવ્યા. એ પહેલું અપમાન...’

‘નામદાર સાહેબ ! મારી ઘડિયાળ જરા મોડી હશે…’

‘અને મારો પાંચ મિનિટનો પગાર આપવાનું કહી તમે કૉર્ટનો તિરસ્કાર કર્યો એ બીજું અપ…’

‘સાહે…’

‘બોલશો નહિ; મને સાંભળી લો. અને ઘડિયાળ મોડી હોવાની જૂઠી વાત કહી તમે કૉર્ટનું ત્રીજી વાર અપમાન કરો છો. એટલું જ નહિ પણ મને બોલતો અટકાવી વચમાં બોલી કૉર્ટનો ચોથો તિરસ્કાર તમે કર્યો એ તો તદ્દન ભૂલી જાઓ છે !’

મોટર ખરીદી શકું એવી સ્થિતિમાં આવેલો હું સીનિયર વકીલ ! જોતજોતામાં મેં કૉર્ટનું ચાર વાર અપમાન કર્યું એમ નામદાર કોર્ટે માની લીધું ! ચારે પાસ ધાંધલ મચી ગયું. મારા વકીલમિત્રો ધીમેથી કહેવા લાગ્યા :

‘માફી માગી લો, એટલે પત્યું.’

‘મેં દિલગીરી તો દર્શાવી; પછી શું ?’ મેં કહ્યું.

‘અરે કહી દો ને મારા સાહેબ, કે નામદાર કોર્ટ ઉદારતા દર્શાવે ?’

ઉદારતાનો પ્રશ્ન આવતાં મને ઉદારતાના પાયમાં રહેલી અહિંસા યાદ આવી. મારી અહિંસાથી આ ફાડી ખાનાર જાનવર જેવા બની ગયેલા ન્યાયમૂર્તિમાં અહિંસાનો અલ્પ સંચાર પણ થાય તો તે જગતને માટે, કૉર્ટને માટે, વકીલ માટે, અસીલ માટે, અરે ! ન્યાય માટે પણ ઈચ્છવાયોગ્ય હોવાથી મેં મારા આત્મમાન અને આત્મભાનનો પણ ભોગ આપી અત્યંત શાન્તિથી બન્ને હાથ જોડી કહ્યું :

‘કોર્ટનું અપમાન કરવાની ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં પણ ઇચ્છા ન રાખતા મારા સરખા પામર માનવીથી નામદાર કોર્ટનું અપમાન કર્યાનો ભાસ પણ નામદાર ન્યાયમૂર્તિને થયો હોય તો તે માટે અત્યંત દિલગીરી દર્શાવી હું નામદાર કોર્ટની માફી ચાહી મને