પૃષ્ઠ:Rasbindu.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬ : રસબિન્દુ
 


‘મારા વર્ગનું પરિણામ તો સારું આવે છે.’

‘તે તમારા શીખવવાથી આવે છે, એમ ?’

‘વર્ગમાં જેને ન આવડે તે ભલે ટ્યૂશન માટે આવે. ત્રણને શીખવું છું તેમ હું ત્રીસને શીખવીશ.’

‘એક કરતાં વધારે ટ્યૂશન જેટલાં હોય એટલાં છોડી દો, માસ્તર !’ પ્રિન્સિપાલે કહ્યું.

હિદું મુસલમાનને એકપત્નીવ્રત પાળવાનો કઢંગો હુકમ થતો હોય એમ મને લાગ્યું.

‘સાહેબ ! કાલે ઊઠીને આપ કહેશો કે એકપત્ની... મારું કહેવાનું એમ કે... એક જ ટંક તમે જમજો ! એ કેમ બને ? એક એક ટ્યૂશને એક એક ટંકનું જમવાનું નીકળે છે, અને ત્રીજા ટ્યૂશનમાંથી બે વારની ચહા ઊભી કરું છું.…’

‘પગાર ક્યાં નાખો છે ?’

‘મારાં માબાપને મોકલું છું – પરગામમાં.’

‘તે તમારે માબાપ પણ છે ?’

‘હા જી; વૃદ્ધ બાપ છે અને અર્ધવૃદ્ધ સાવકી મા છે. બીજું કોણ કોણ છે તે ગણાવું ?’

‘તે તમે હિંદુઓ uneconomic – ન પોસાય એવા સંબંધો બાંધો એમાં અમે શું કરીએ ? અમારે તો અમારી શાળાનું ભવિષ્ય વિચારવાનું છે !’ પ્રિન્સિપાલ જાતે હિંદુ હતા. છતાં તેમણે મારા હિંદુત્વ ઉપર હુમલો કર્યો. મારાથી એ સહન ન થયું. મેં જવાબ આપ્યો :

‘ત્યારે એમ કરો ને, સાહેબ ? પગારના પ્રમાણમાં શાળાના કલાક દરેકને ઠરાવીને આપો. આપ પાંચસો લો છો તો અઠવાડિયે પચાસ કલાક તમે શીખવો...’

પ્રિન્સિપાલે મને બહાર નીકળવાની તીવ્ર વિનંતિ કરી, અને હું બહાર નીકળ્યો નહિ હોઉં એટલામાં તો મને નોકરીથી છૂટા કર્યાનો લેખી હુકમ મળ્યો. મને લાગ્યું કે હું તમ્મર ખાઈ પડીશ.