પૃષ્ઠ:Rasbindu.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘સુરેશની ચિઠ્ઠી લઈને આવો છો, પણ હું કોઈની ચિઠ્ઠી માનતો જ નથી. મારી સંસ્થામાં હવે તમને સ્થાન છે જ નહિ!’

‘આપની ભૂલ થાય છે, સાહેબ ! હું નોકરીમાં દાખલ થવા માટે આવ્યો જ નથી, હું સુરેશ તરફથી આપના લાભનો સંદેશો લઈ આવ્યો છું.’ મેં કહ્યું.

‘સંદેશો? શો છે ? આવો અંદર.’ કહીં કડવું મુખ રાખી તેઓ મને તેમના દીવાનખાનામાં લઈ ગયા. માનવીના મુખ ઉપરની કડવાશ ખરેખર જોઈ અનુભવી શકાય છે.

‘હીરાની મૂર્તિ સંબંધી વાત કરવા મને મોકલ્યો છે.’ બેસતાં બેસતાં મેં કહ્યું.

‘તમારે અને સુરેશને શો સંબંધ?’ તેમણે ઝીણી આંખો કરી પૂછ્યું.

‘અમે જૂના મિત્રો. મારા લખાણમાંથી ચોરી કરી એ ઘણું ખરું પાસ થતો.’

‘એણે શું કહેવરાવ્યું છે?’

‘મૂર્તિના બે હજાર વધારે આપશે.’

‘ચાલો, એમ તો એમ. મારી અને એમની વચ્ચે બહુ તફાવત ન રહ્યો. એમને કહેજો કે દસ હજાર સુધીનો સોદો આવતી કાલની રાત સુધી મંજૂર. પણ તે પછી એ રકમ વધે ખરી !’

‘એની સાથે સારાસારી રાખવામાં જ માલ છે. અમે ભણતા ત્યારે એની ચોરી પકડનાર શિક્ષકો અને પ્રોફેસરોને પણ એ ચોર ઠરાવતો.’

‘પ્રામાણિકતાનો કશો ભય જ નથી.... અને તમે શાળામાં આવજો ને કાલથી!’

‘પણ સાહેબ ! ટ્યૂશન વગર કેમ ચાલશે?’ મને નવાઈ લાગી. બરતરફીનો હુકમ કરનાર પ્રિન્સિપાલ આજ નાની વાતમાં એ ઠરાવ ફેરવી મને પાછા નોકરી આપતા હતા ! સુરેશના નામમાં કાંઈ જાદુ રહ્યો હોય એમ મને લાગ્યું.