પૃષ્ઠ:Rasbindu.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપૈયાની આત્મકથા : ૫૫
 

આના પાછા લઈ એ સુધાશાન્તિગૃહની બહાર નીકળ્યો. ગલ્લામાં પડતાં પડતાં મેં જોઈ લીધું કે એ ખિસ્સાકાતરુએ ઉદારતાનો અભિનય કરી એક ભીખારી તરફ એક પૈસો પણ ફેંક્યો. પરાયા શ્રમ અને પરાઈ બુદ્ધિ વેચાતી લઈ લાખો રૂપિયા કમાઈ હજારોનાં દાન કરી પોતાની તખ્તીઓ, છબીઓ અને બાવલાં ઊભાં કરાવનાર આજના દાનવીરો કરતાં આ ખિસ્સાકાતરુની ઉદારતા મને વધારે ઊંચી લાગી !

પરંતુ હું તમારી માનવજાતની નીતિ કે ન્યાયભાવના ઉપર વિવેચન કરવા ઈચ્છતો નથી. હું જ તમારી નીતિઅનીતિનું પરિણામ છું એમ કહું તો ય શું ખોટું ? મારા પ્રત્યે તમને મમતા હોય છે એ હું જાણું છું પરંતુ મારો બદલો કરવામાં તમને જરા ય સંકોચ થતો નથી એ પણ હું જાણું છું. ફેંકી દેનાર મને આસાનીથી જરા ય શરમ રાખ્યા વગર ફેંકી દે છે. હૉટલવાળાએ મને દાણાવાળાને ત્યાં મોકલ્યો અને દાણાવાળાએ મને એના શરાફને સોંપ્યો. યુદ્ધમાં માનવીનું -લશ્કરીનું મહત્વ ખરું, પણ તે કપાવા માટે. આગળ ધસવાનો હુકમ આપનારને કપાતાં માનવી નિહાળી જરા ય અરેકારો થતો નથી. મારું પણ મહત્ત્વ ખરું – પણ તે એક હાથથી બીજે હાથ ઉછાળવા માટે. મને ફેંકતાં કોઈનો જીવ ચણચણતો લાગતો નથી. હશે ! હું મૂર્તિમાન ધન હોવા છતાં વિરાગી છું.

શરાફ મને ક્યાં લઈ ગયા તે કહું ? એમને ઘેર દેવસેવાનો ભારે ઠાઠ હતો. એ જાતે બચરવાળ ગૃહસ્થ છે. એમનાં પત્ની રેશમી કપડાં અને સોનેમઢ્યાં હીરાના ઘરેણાં ઘરમાં પણ પહેરીને ફરે છે. દેખાવ પણ ગમે એવો કહેવાય – શરાફનો નહિ, શરાફનાં પત્નીનો; પરંતુ એમને સંગીત આવડતું નથી. એટલે ગાનારીઓને ત્યાં શરાફ સંગીત સાંભળવા વારતહેવારે જાય છે અને શંકર તથા સરસ્વતીનાં નામ સાથે જોડાયલી સંગીતકલાનો આસ્વાદ લે છે. બીજા શા શા આસ્વાદ લે છે એ હું તમારા જેવા કોઈ ગૃહસ્થને નહિ કહું; તમે જાણતા જ હશો. તમે નહિ તો તમારા જેવા કોઈ ગૃહસ્થને