પૃષ્ઠ:Rasbindu.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કહેવાતા કુલીન બ્રાહ્મણને એ રકમ આપી અને એના દીકરાને જમાઈ તરીકે પસંદ કર્યો. હું એ પાંચ હજારની ગાંસડીમાં ભળ્યો અને એક બ્રાહ્મણ યુવક્યુવતીના લગ્નમાં આમ મહત્વનો ભાગ મેં ભજવ્યો. કન્યાવિક્રય પાપ છે, વરવિક્રયમાં કાંઈ પાપ નથી, એવી દલીલો પણ મેં સાંભળી. રૂપિયા ગણતી વખતે મને કહેવાનું તો મન થયું કે વરવિક્રય પાપ કરતાં પણ વધારે પાપ વસ્તુ છે. પૈસા લઈ પરણતા પુરુષોની નિર્માલ્યતા ઉપર મને તિરસ્કારભયું હસવું પણ આવ્યું.

વહોરાને ત્યાં વંશપરંપરાથી ગુમાસ્તી કરી ખાતા એ કુલીન બ્રાહ્મણે પોતાનું ગીરો મૂકેલું ઘર એ રૂપિયામાંથી છોડાવ્યું અને દસ્ત્તાવેજમાં કાંઈ શેરા કરવા માટે એણે ખુશબખ્તીમાં મને નોંધણી કામદારને સુપ્રત કર્યો. નોંધણી કામદારને પાંચ છોકરા ભણાવવાના હતા, તથા ત્રણ છોકરા અને બે છોકરીઓનાં લગ્ન કરવા બાકી હતાં એટલે ખુશબખ્તી લીધા વગર એનું કેમ પૂરું થાય? તમારી મોંઘી અને મહા લાડવાઈ સનદી નોકરીના ભારે પગારનો બચાવ જે ઢબે કરવામાં આવે છે તે ઢબ જોતાં નોંધણી કામદારની ખુશબખ્તી વધારે ટીકાને પાત્ર તો નથી જ. લાંચ લેવાનું મન થાય જ નહિ એટલો ભરપટ્ટે પગાર આપી લાલચથી દૂર રહેવાની સગવડ સનદી નોકરીના મહા નોકરોને કરી આપવાથી નોકરીની વિશુદ્ધિ જળવાઈ રહે છે એ દલીલ અન્વયે નોંધણી કામદારોને પણ ભરપટ્ટે પગાર મળશે તે દિવસે તેમની નોકરી પણ વિશુદ્ધ બની જશે એમાં મને શક નથી લાગતો. બાકી લાંચ ખાતા નોંધણી કામદારો કરતાં લાંચને બદલે રૈયતના કરમાંથી ભરપટ્ટે પગાર ખાનાર સિવિલિયનોએ દેશની કઈ સેવા વધારે કરી એ તો તમે શોધી કાઢો ત્યારે ખરું! ખુલ્લી રીતે અણઘટતો ભારે પગાર ખાનાર અને છૂપી રીતે ખુશબખ્તી લઈ પોતાનો વ્યવહાર ચલાવનાર એ બેમાં લાંચિયું કોણ વધારે તે પણ તમારે જ નક્કી કરવાનું.

લાંચમાંથી હું પ્રેમના પ્રવાહમાં પડ્યો. નોંધણી કામદારનો કૉલેજમાં ભણતો યુવાન પુત્ર પરણેલો છતાં પ્રેમી હતો. એની પત્ની