પૃષ્ઠ:Rasbindu.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટેલિફોનનું ભૂત : ૬૩
 

સુસ્વભાવની કાલ્પનિક, ટૂંકી ટૂંકી પણ રસપ્રદ નવલિકાઓ વખતોવખત પ્રગટ કરવી, એ કામ મારે કરવાનું હતું, એને તેઓ ‘સેક્રેટરી’ ને નામે ઓળખાવતા.

ઘણા સમયની બેકારી દરેક કામમાં માનવીને પાવરધો બનાવે છે. આ કાર્ય કરવાનું મેં બીડું ઝડપ્યું. પૂરી સમજણ ન પાડવા છતાં અઠવાડિયા સુધી મેં તનતોડ કામ કર્યું અને અઠવાડિયું વીતતાં મને શેઠસાહેબે પોતાના ખાનગી અભ્યાસગૃહ – study કે studio – માં બપોરના ચાર વાગે બોલાવી સામે બેસાડ્યો.

‘જુઓ, આ મારો ફોટોગ્રાફ.’ તેમણે મને ફોટોગ્રાફ આપ્યો. તેમના દેખાવ પ્રત્યે મને મોહ, મમતા કે માન ઊપજ્યાં ન હતાં. મને મારા સિવાય બીજા કોઈનો ફોટોગ્રાફ હજી ગમ્યો ન હતો, એટલે આ આજ્ઞા પાછળનું રહસ્ય હું સમજી શક્યો નહિ. છતાં આજ્ઞા પાળી છબી હાથમાં લઈ આશ્ચર્યચક્તિ બન્યાનો ભાવ મુખ ઉપર લાવી મેં કહ્યું : ‘જી.’

‘એની સાથે મારું એક રેખાચિત્ર મોકલવાનું છે.’

મને સમજ ન પડી. છબી ઉપરાંત પાછું આ કયું ચિત્ર ?

મને સમજ ન પડી. છબી ઉપરાંત આ કયું ચિત્ર ! ન સમજાય ત્યાં ‘જી’ કહી બેસી રહેવું એવો પ્રત્યેક નોકરિયાતનો ધર્મ મેં બજાવ્યો.

‘પણ એ તમારે આજે જ બે કલાકમાં લખી નાખવું પડશે.’ તેમણે મને કહ્યું.

બે કલાકમાં બસો માણસોનાં ખૂન કરી શકાય તો એકાદ ભાગ્યશાળીનું જીવનચરિત્ર લખવામાં શું વાંધો આવે ? મેં ખૂનીની હિંમતથી કહ્યું : ‘હા જી; હરકત નહિ આવે.’

‘ખાસ કરીને મારા મનગમતા શૉખ, કસરતી દેખાવ અને નીડર સ્વભાવ ઉપર ભાર મૂકજો.’

‘આપને કઈ કઈ રમતો આવડે છે ?’

‘બધી જ, જે તમે જાણતા હો તે બધી જ એમાં મૂકોને, ક્યાં પરીક્ષા આપવાની છે?’